(એજન્સી) કીવ, તા.ર૮
યુક્રેનમાં કોમેડિયનમાંથી દેશના રાષ્ટ્રપતિ બનનાર વોલોડિમિર જેલેન્સ્કીએ પોતાના પહેલા જ સંબોધનમાં શ્રેષ્ઠ વાત કરીને પોતાના દેશવાસીઓ ઉપરાંત સમગ્ર દુનિયાનું દિલ જીતી લીધું છે. જેની સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, તમારા કાર્યાલયોમાં મારી તસવીર ન લગાવશો, કારણ કે રાષ્ટ્રપતિ કોઈ આદર્શ, મૂર્તિ અથવા ચિત્ર નથી. તેને બદલે પોતાના બાળકોની તસવીરો લગાવો અને દર વખતે જ્યારે પણ કોઈ નિર્ણય લો, ત્યારે પોતાના બાળકોની તસવીર જુઓ.
રાષ્ટ્રના નામે સંબોધન કરતાં તેમણે કહ્યું કે, રશિયા સમર્થિત અલગતાવાદીઓની સાથે હિંસક યુદ્ધથી લોકો ત્રાસી ગયા છે. જેલેન્સ્કીએ લોકો માટે, લોકો દ્વારા ચલાવવામાં આવી રહેલા એક પ્રામાણિક અને પારદર્શક શાસનનો વાયદો કર્યો.
જેલેન્સ્કી કે જેઓ વ્યવસાયે એક કોમેડિયન છે અને એકવાર રાષ્ટ્રપતિ બનવાની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેઓ જ્યારે હકીકતમાં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે કહ્યું કે, હું ક્યારેય તમને શરમજનક પરિસ્થિતિમાં નહીં મૂકું. હું સોવિયત કાળ પછીના તમામ દેશોને કહી શકું છું કે, અમને જુઓ, દરેક બાબત શક્ય છે. આ નિવેદન પાડોશી દેશ રશિયાને નિશાન બનાવવા માટે આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કે, જ્યાં વ્લાદિમીર પુતિન ર૦ વર્ષથી સત્તામાં છે.
ઉલ્લેખનીય છે કે, ભારે મતોથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનારા હાસ્ય અભિનેતા વોલોદિમીર જેલેન્સ્કી (૪૧)એ ૭૩.ર ટકા મતો મેળવીને વર્તમાન રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોને હરાવી દીધા છે. તેમણે કહ્યું કે, અમે એવા દેશનું નિર્માણ કરીશું, જ્યાં દરેક માટે સમાન નિયમ, કાયદો અને પારદર્શકતા હશે.