(એજન્સી)
ઇસ્લામાબાદ, તા. ૨૭
પાકિસ્તાનના યુસુફ સલીમે જુસ્સાનું નવું ઉદાહરણ પુરૂ પાડ્યું છે અને તેઓ પાકિસ્તાનના પ્રથમ નેત્રહીન જજ બની ગયા છે. મંગળવારે તેમણે પદ અંગેના શપથ લીધા છે. લાહોરના યુસુફ સલીમને પહેલા આ પદ માટે ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો પરંતુ ચીફ જસ્ટિસ મિયાં સાકિ નિસારની દખલગીરી બાદ તેમને જજ બનાવી દેવાયા છે. યુસુફ એવા ૨૧ સિવિલ જજોમાં સામેલ છે જેમણે લાહોર કોર્ટમાં પદગ્રહણ કર્યું છે. આ પ્રસંગે કોર્ટના ચીફ જસ્ટિસ મોહંમદ યાવર અલીએ આશા વ્યક્ત કરી હતી કે, તમામ જજો પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે. તેમણે કહ્યું કે, કાયદા અંતર્ગત લોકોને કોઇપણ ભેદભાવ અને ભય વિના ન્યાય આપવો જોઇએ.
યુસુફ પંજાબ સરકારમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર (લીગલ)ના પદ પર કાર્યરત હતા. ત્યારબાદ તેમને સિવિલ જજ માટે લેવાયેલી લેખિત પરીક્ષા માટે પસંદ કરાયા હતા જેમાં ફક્ત ૩૦૦ ઉમેદવારો પાસ થવા પામ્યા હતા. ત્યારબાદ ઇન્ટરવ્યૂ દરમિયાન નેત્રહીન હોવાને કારણે તેમને આ પદ માટે યોગ્ય ગણવામાં આવ્યા નહોતા અને જજ બનાવવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતોે. આ બાબતને ધ્યાને લેતા ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાને લાહોર કોર્ટના જજને નિર્દેશ કર્યો હતો કે, તેઓ આ કેસની સમીક્ષા કરે. મુખ્ય ન્યાયાધીશ અનુસાર જો કોઇ તમામ માપદંડો પર યોગ્ય સાબિત થાય તો ફ્ક્ત નેત્રહીન હોવાને કારણે તેને જજ બનવાથી રોકી ના શકાય. ત્યારબાદ ૧૨મી મેએ યુસુફ સલીમ પાસે એક પત્ર આવ્યો જેમાં જજ તરીકે તેમની પસંદગી પર મહોર લગાવી દેવામાં આવી હતી.પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, લાહોરની કોર્ટ સમિતિએ નક્કી કર્યું છે કે, તમને સિવિલ જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનેલા યુસુફ જન્મથી જ નેત્રહીન છે. સાથે જ તેમની ચાર બહેનોમાંથી બે પણ જોઇ શકતી નથી. તેમની એક બહેન સાઇમાં સલીમ ૨૦૦૭માં સિવિલ સેવા પરીક્ષા પાસ કરનારી પ્રથમ નેત્રહીન બન્યા હતા જે હવે વડાપ્રધાન કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરીના પદ પર કાર્યરત છે. યુસુફના બીજા નેત્રહીન બહેન લાહોર યુનિવર્સિટીમાં લેક્ચરર છે.