(સંવાદદાતા દ્વારા) ધાનેરા, તા.રપ
ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે આજે ભારે પોલીસ બંદોબસ્ત સાથે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાતાં યુસુફભાઈ મહમદભાઇ બેલીમનો વિજય થતાં મુસ્લિમ સમાજ તેમજ ધાનેરા શહેરમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.
ધાનેરા નગરપાલિકાની ગત-૨૦૧૮માં ચૂંટણી યોજાઇ હતી કુલ ૨૮ બેઠકો પૈકીની ૧૮ બેઠકો કોંગ્રેસના ફાળે આવી હતી અને ૧૦ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. જેથી પ્રમુખ તરીકે બક્ષીપંચ અનામત અઢી વર્ષ માટે હોય બળવંતભાઈ બારોટની વરણી કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ પ્રમુખને બેથી વધુ બાળકો બાબતે વિરોધ પક્ષ ભાજપ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા (જો કે એક બાળક વરસો પહેલા ગુમ થતા પરત મળેલ નથી) સસ્પેન્ડ કરવામાં આવેલ. તે પછી ઉપપ્રમુખ વસંતીબેન ગલચરને પ્રમુખનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ મામલે છ મહિના થવા છતાં પ્રમુખની ચૂંટણી કરવામાં ન આવતા હવે પ્રમુખ કોણ તેવી અનેક અટકળો ઊભી થવા પામેલ હતી. દરમિયાન તાજેતરમાં પ્રમુખ (કોંગ્રેસ)ની ખાલી થયેલ વોર્ડ નંબર-૨ની ચૂંટણી યોજાતા તે ભાજપના ફાળે ગઈ હતી.
આમ કોંગ્રેસની ૧૭ અને ભાજપની કુલ ૧૧ બેઠકો થવા પામી હતી. ભાજપ દ્વારા કોંગ્રેસમાં ભંગાણ પડાવી સત્તા કબજે કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ કોંગ્રેસની એક જૂથતાના કારણે તેઓ સફળ થવા પામેલ નહીં.
આજે સવારે ૧૧ વાગ્યે પ્રાંત ઓફિસર અને ચીફ ઓફિસરની હાજરીમાં પ્રમુખ પદ માટે હાથ ઊંચા કરી સમર્થન આપવા જણાવતા યુસુફભાઈ (ઇકુભાઈ) મહમદભાઇ બેલીમને કોંગ્રેસના તમામ ૧૭ સભ્યનું સમર્થન મળતા તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જબરાજી રાજપૂતને ૧૧ મત મળતા પ્રાંત ઓફિસરે યુસુફભાઈને વિજયી ઘોષિત કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, વરસો અગાઉ ૧૯૮૨માં ધાનેરા નગરપાલિકા જ્યારે ગ્રામ પંચાયત હતી. ત્યારે યુસુફ ખાનના પિતા મહમદખાન રમજાનખાન બેલીમ સરપંચ હતા. તેઓ તમામ સમાજમાં લોકપ્રિય હતા અને સુંદર વહીવટ કર્યો હતો.