અમદાવાદ,તા. ૨૨
ભાજપ સરકારનો ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડવા તેમજ ગુજરાતની જનતાના સળગતા પ્રાણપ્રશ્નોને લઇ યુથ કોંગ્રેસ દ્વારા તા.૨૪મી ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિજય વિશ્વાસ સંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમરિન્દર બ્રાર ખાસ હાજરી આપશે. તો ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહી યુવા કાર્યકરોનું મનોબળ વધારશે. યુથ કોંગ્રેસના આ વિશાળ સંમેલનમાં રાજયભરમાંથી જિલ્લા-તાલુકા કક્ષાએથી અને ગામડે-ગામડેથી પંદર હજાર જેટલા કોંગ્રેસના યુવા કાર્યકરો ઉમટે તેવી શકયતા છે. યુથ કોંગ્રેસના સંમેલનમાં ગુજરાતમાં બેરોજગારી, વિદ્યાર્થીઓના શિક્ષણમાં થઇ રહેલા શોષણ, નોકરીઓમાં ફિક્સ વેતનની સરકારની શોષણયુકત નીતિ, બનાસકાંઠાના તાજેતરના પૂરપીડિતોની વ્યથા, સરકાર દ્વારા સમયસર નહી પહોંચેલી સહાય, ખેડૂતોની દયનીય સ્થિતિ, મહિલાઓની સુરક્ષા સામે સવાલો, શિક્ષણનું વ્યાપારીકરણ, ખેડૂતોની દેવા માફી, બેરોજગારોને નોકરી, રાજયમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિતના વિવિધ મુદ્દાઓને લઇ સરકાર પર પ્રહાર કરવામાં આવશે. આ દિવસે યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર અધિકાર રેલી યોજાય તેવી પણ શકયતા છે. સંમેલનમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમરિન્દર બ્રાર સહિતના અન્ય કેટલાક નેતાઓ તેમ જ ગુજરાત કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી, ગુજરાતના કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિતના આગેવાનો પણ હાજર રહેશે. યુથ કોંગ્રેસ દ્વારા તા.૨૪મીના આ વિજય વિશ્વાસ સંમેલન બાદ આગામી દિવસોમાં રાજયના ચાર ઝોનમાં બે-બે સંમેલન યોજવામાં આવશે અને ભાજપ સરકારની નીતિરીતિના વિરોધમાં સચિવાલય-વિધાનસભાને ઘેરાવો સહિતના વિરોધદર્શક કાર્યક્રમો યોજવામાં આવશે.
યુથ કોંગ્રેસ દ્વારા ર૪મીએ અમદાવાદમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન

Recent Comments