અમદાવાદ, તા.ર૦
આગામી વર્ષ ર૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે મોદી સરકારને ભીંસમાં લેવા કમર કસી છે. યુવા કોંગ્રેસ દ્વારા આગામી ર૬ નવેમ્બરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી દેશવ્યાપી યુવા ક્રાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે દેશના તમામ રાજ્યોમાં ફરી ૩૦મી જાન્યુઆરીએ શહીદ દિવસ નિમિત્તે દિલ્હી રાજઘાટ ખાતે યાત્રાનું સમાપન થશે.
આ યાત્રા દ્વારા કોંગ્રેસ બેરોજગારી, ભ્રષ્ટાચાર, સામાજિક વૈમનશ્ય, સ્વાયત્ત સંસ્થાઓના દુરૂપયોગ, મહિલા સુરક્ષા, સરહદી સુરક્ષા, આતંકવાદ, ખેડૂતોની દુર્દશા સહિત પ્રજાને સ્પર્શતા તમામ મુદ્દાઓ પર અને સરકારની નિષ્ફળતા મુદ્દે ભાજપને ભીંસમાં લેશે તેમજ બંધારણની સુરક્ષા માટે જાગૃતિ અભિયાન માટે ઝુંબેશ કરશે.
પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રવક્તા શાનખાને એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દેશવ્યાપી યાત્રા ભારતમાં એક મોટા રાજકીય પરિવર્તનને જન્મ આપશે અને દેશના યુવાનોમાં ચેતના જગાડવાનું કામ કરશે. કેન્દ્રની મોદી સરકાર તેમજ ભાજપની રાજ્ય સરકારની નિષ્ફળતાઓને સામાન્ય માનવી સુધી પહોંચાડવાનું કામ પણ આ યાત્રા દ્વારા કરવામાં આવશે.