(એજન્સી) તા.૫
એક મહત્વના ઘટનાક્રમમાં વિરોધ પક્ષના તમામ રાજકીય પક્ષોની યુવા પાંખે યુવાન ભારતીયોના અધિકારો માટે લડવા મહાગઠબંધન એકતા હેઠળ સંગઠિત થવાનો નિર્ણય કર્યો છે. આ માટે કાર્યક્રમ ઘડી કાઢવા કોંગ્રેસ, ડાબેરી પક્ષો, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ, મુસ્લિમ લીગ અને નેશનલ કોંગ્રેસ પાર્ટીની યુવા પાંખ દ્વારા બે બેઠકો યોજાઇ ચૂકી છે. ડીએમકે અને અન્ય રાજકીય પક્ષોએ પણ આ મહાગઠબંધનમાં જોડાવા સંપર્ક કર્યો છે.
ભારતીય યુવા કોંગ્રેસના પ્રવક્તા અમરીશ રંજન પાંડેએ જણાવ્યું હતું કે બેરોજગારી, ભાવવધારો, ખેડૂતોના પ્રશ્નો, લૈંગિક ન્યાય અને ભારતના યુવાનોને સ્પર્શતા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં ંઆવશે. તેમણે જણાવ્યું હતું કે એક સંયુક્ત રેલી પણ યોજાશે. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે છેલ્લા ચાર વર્ષોમાં રાજ્ય સ્તરે ઊભરી આવેલા યુવાન નેતાઓ હવે સંસદીય ચૂંટણી લડવાનું પણ આયોજન કરી રહ્યા છે. કોંગ્રેસમાં જોડાનાર અલ્પેશ ઠાકોરે ગુજરાતની ચૂંટણી લડી હતી અને હવે લોકસભા ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે.
જીજ્ઞેશ મેવાણી પણ અપક્ષ તરીકે કોંગ્રેસની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. હાર્દિક પટેલ પણ ગુજરાતના છે અને તેઓ પાટીદાર સમુદાયના અધિકારો માટે હાલ અનશન પર છે. હાર્દિક પટેલ પણ કોંગ્રેસના સમર્થન સાથે અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણી લડશે એવી ધારણા છે. જેએનયુના કનૈયાકુમાર પણ બિહારમાંથી રાજદના ગઠબંધનના સહયોગથી સીપીઆઇ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે એવી અપેક્ષા છે. સ્નેહલ રશીદનું નામ પણ નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર જમ્મુ-કાશ્મીરમાંથી ઉમેદવાર તરીકે સંભળાઇ રહ્યું છે. એનસીપીના શરદ પવાર પણ પોતાના પુત્રી સુપ્રીયા સૂલે માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કરવા પ્રયાસ કરી રહ્યા છે. આમ વિરોધ પક્ષમાં યુથ પાવર ઊભરી રહ્યો છે અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નવા ગઠબંધન અને નવા ઉમેદવારો જોવા મળશે.