પાલનપુર, તા.૨૫
પાલનપુરમાં યુવકના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ૧૦ વર્ષ સાથે રહ્યા બાદ પ્રેમિકાએ એવું કૃત્ય કર્યું જેના વિરહમાં પ્રેમીએ આપઘાત કરવાનો વારો આવ્યો છે. ૧૦-૧૦ વર્ષ સુધી સાથે રહ્યા બાદ પ્રેમિકાએ અચાનક આવું પગલું ભરતા યુવકને ઊંડો આઘાત પહોંચ્યો હતો. હાલ આખા જિલ્લામાં આ બનાવે ચર્ચા જગાવી છે. આ મામલે યુવકના પરિવારે પોલીસ ફરિયાદ આપી છે.
મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક દિનેશ પ્રજાપતિ અને તેની પ્રેમિકા સપના પારેખ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને છેલ્લા ૧૦ વર્ષથી લીવ ઇનમાં સાથે રહેતા હતા. ૧૦ વર્ષ દરમિયાન બંનેને કોઈ સંતાન થયું ન હતું. જે બાદમાં સપના આ નવરાત્રીએ યુવકના ઘરમાંથી રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.
પાલનપુરના ગઠામણ ગામની આ ઘટનામાં પ્રેમિકા ભાગી ગયા બાદ પ્રેમીને ખૂબ આઘાત લાગ્યો હતો. અંતે યુવકે પ્રેમિકાના વિહરમાં પોતાના વતનમાં જઈને આપઘાત કરી લીધો હતો. આ રીતે આધુનિક જીવન શૈલી એવા લીવ ઇન રિલેશનનો કરુણ અંજામ આવ્યો હતો.
આ મામલે સુરત ખાતે રહેલા મૃતક દિનેશ પ્રજાપતિના મોટાભાઈ સતિષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “સપના છેલ્લા ૧૦ વર્ષથી મારા ભાઈ સાથે રહેતી હતી. તેણી ત્રીજા નોરતાએ મારા ભાઈને છોડીને જતી રહી હતી. જેના દુઃખમાં મારા ભાઈએ આવું પગલું ભર્યું છે. સપના રોકડ, ઘરેણા સહિતની તમામ કિંમતી વસ્તુઓ લઈને ભાગી ગઈ હોવાથી મારા ભાઈને ખૂબ ઊંડો આઘાત લાગ્યો હતો. આ મામલે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.”