(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
શહેરના રામપુરા ખાતે આવેલી દેનાબેંકમાં બોગસ ખાતુ ખોલાવી રૂા.૭પ.રપ લાખનો નાણાકીય વ્યવહાર કરનાર ચીટર હર્ષિત વિનુભાઇ પટેલ સામે લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.કતારગામ બાળાશ્રમ પાછળ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા કલ્પેશ રામજીભાઈ તરસરીયાએ આરોપી હર્ષિલ વિનુભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી હર્ષિલ ફરિયાદી કલ્પેશ તરસરીયા નામનું પાનકાર્ડ તથા લાઈટબિલ છેડછાડ કરી રામપુરા દેનાબેન્કમાં ફરિયાદીની બોગસ સહિ કરી ખાતુ ખોલાવ્યું હતું. ત્યારબાદ સને ૨૦૧૩-૧૪થી સને ૨૦૧૬-૧૭ સુધીમાં આરોપીએ આ બેન્ક એકાઉન્ટ મારફતે રૂ. ૭૫,૨૫,૧૩૭નો નાણાંકીય વ્યવહાર કરી ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કર્યા હતા. લાલગેટ પોલીસે આરોપી હર્ષિલ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રાહિત વ્યકિતના દસ્તાવેજાને આધારે બેન્કમાં ભૂતીયુ એકાઉન્ટ ખોલાવી જંગી રકમનું ટ્રાન્જેકશન કરવા સંદર્ભે સુરતમાં સૌ પ્રથમ વખત લાલગેટ પોલીસ મથકમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.