Ahmedabad

ઈસનપુરમાં પાડોશીના આઠ માસના પુત્રને યુવક ઉઠાવી ગયો

અમદાવાદ,તા.૬
શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ભાડાનાં મકાનમાં રહેતા એક યુવકે પાડોશમાં રહેતા આઠ માસના બાળકને ઉઠાવીને ફરાર થઈ જતાં પોલીસમાં દોડધામ મચી ગઇ છે. ઇસનપુર વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ભાડાનાં મકાનમાં રહેતી ૨૧ વર્ષિય અંજુ અશોકભાઇ સંઘવાલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક વિરુદ્ધમાં અપહરણની ફરિયાદ કરી છે.
ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે અંજુ અને તેના પતિ અશોકભાઇ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને અંજુનાં લગ્ન દોઢ વર્ષ પહેલાં થયાં હતાં, જેમાં તેમને એક બાળક રિયાનને જન્મ આપ્યો હતો. લગ્ન બાદ અંજુ પતિ અશોકભાઇ અને પુત્ર રિયાન સાથે ઇસનપુર વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં ભાડાનાં મકાનમાં રહેવા માટે આવી ગયાં હતાં.
અંજુ જે મકાનમાં રહે છે તેની બાજુની રૂમમાં બાલમુકુંદ પરિહાર, સલાઉદ્દીન અને અલોક નામના યુવકો છેલ્લા ત્રણ મહિનાથી રહે છે. આ પહેલા આ રૂમમાં બાલમુકુંદનો ભત્રીજો દીપક સાત મહિનાથી રહેતો હતો. ગઇ કાલે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ અશોકભાઇ નોકરી પર ગયા હતા બાદ ઘરમાં અંજુ અને આઠ માસનો પુત્ર રિયાન હાજર હતાં. અઢી વાગ્યાની આસપાસ અંજુ રિયાનને ખોળામાં લઇને બેઠી હતી તે સમયે બારીમાંથી બાલમુકુંદ અંજુને જોતો હતો.
બાલમુકુંદની આ હરકત જોઇને અંજુ ઉશ્કેરાઇ હતી અને બાલમુકુંદને ધમકાવ્યો હતો અને છુટ્ટું વેલણ માર્યું હતું. અંજુના ગુસ્સાને જોઇને બાલમુકુંદે તેની માફી માગી હતી અને રૂમમાં નહીં જોઉં તેમ કહીને બહાર જતો રહ્યો હતો.
ઇસનપુર પોલીસે બાલમુકુંદ વિરુદ્ધમાં અપહરણનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એમ.પટેલના જણાવ્યા અનુસાર બાલમુકુંદ ઉત્તરપ્રદેશનો વતની છે અને ત્રણ મહિના પહેલા અંજુની બાજુમાં રહેવા માટે આવ્યો હતો. ગઇ કાલે અંજુએ તેને ધમકાવ્યો હતો. જેથી તેને રિયાનનું અપહરણ કર્યું છે. મોડી રાતે તેના ભત્રીજાની પણ પૂછપરછ કરવામાં આવી છે.