(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
શહેરના ઘાટલોડીયાની એક ધિરાણ કંપનીમાં ફાયરિંગ કરીને લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલા ગન સાથે આવેલા યુવાનને બેંકના સ્ટાફ અને ગ્રાહકોએ પકડીને પોલીસને હવાલે કરી દિધો હતો. ત્યારે પોલીસની પૂછપરછમાં તેણે કબુલાત કરી હતી કે તેને જુગારમાં રૂા.૮ લાખનું દેવું થઇ જતા તેણે ધિરાણ કંપનીમાં લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
શહેરનાં ઘાટલોડીયા વિસ્તારમાં આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સ નામની ધિરાણ કંપનીમાં ઘૂસીને ફાયરિંગ કરી લૂંટ કરવા માટે આવેલા યુવાનને કંપનીના કર્મચારી અને હાજર લોકોએ હિંમત દાખવીને પકડી પાડ્યો હતો. ચિરાગ ભાવસાર નામના આરોપીએ રિવોલ્વર સાથે અંદર ઘૂસીને લોકોને ધમકાવવા લાગ્યો હતો. ત્યારે સ્ટાફ અને હાજર લોકોએ સમયસૂચકતા વાપરીને ચિરાગને દબોચી લીધો હતો. પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી આરોપી ચિરાગને પકડી પાડી તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે જુગારમાં રૂા.૮ લાખનું દેવું થઇ જતા લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. અગાઉ તેણે ઇન્ડીયા ઇન્ફોલાઇન કંપનીમાં સોના પર લોન લીધી હતી. એટલે તેણે ત્યાં જ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. જો કે, લૂંટના ગુનાને અંજામ આપવા માટે તેણે રાજસ્થાનના આબુથી રિવાલ્વર ખરીદી હતી. આ ઘટના અંગે ઇન્ડીયા ઇન્ફોલાઇનના કમલેશ સેનાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, એક વ્યક્તિ હેલ્મેટ પહેરીને મોં પર બાંધીને અંદર આવ્યો હતો. તેના હાથમાં બંદૂક હતી. એટલે અંદર આવતાની સાથે તેણે ધમકાવીને કહ્યું હતું કે, તમારી પાસે જેટલી રોકડ હોય તે મારી બેગમાં ભરી દો. થોડા રૂપિયા તેની બેગમાં ભર્યા ત્યારે વોશરૂમમાં ગયેલા બ્રાંચ મેનેજરે બહાર આવીને પરિસ્થિતિનો તાગ મેળવીને લૂંટારા તરફ પાણીનો ગ્લાસ દૂરથી છુટ્ટો માર્યો હતો. તેના લીધે તેનું ધ્યાન બીજી તરફ ગયું તેનો ફાયદો ઉઠાવીને લૂંટારાને સ્ટાફ અને હાજર લોકોએ પકડી લીધો હતો. ત્યારે ઝપાઝપીમાં તેણે ફાયરિંગ કર્યું હતું. પરંતુ તેમાં કોઇને ઈજા થઈ ન હતી.
સમગ્ર બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમેે ઘટના સ્થળે દોડી જઇને આરોપીને પકડીને તપાસ હાથ ધરી હતી.