(સંવાદદાતા દ્વારા), સુરત તા.૨૪
શહેરના વરાછામાં રહેતાં એક યુવકની હત્યાના બનાવમાં ડિંડોલી પોલીસે તેની પ્રેમિકાના ભાઇ સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે તેના પિતાની ધરપકડ કરી છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પિતા અને ભાઇ સહિત ત્રણ જણાએ યુવકની હત્યા કરી લાશને રેલ્વે ટ્રેક ઉપર ફેંકી દીધી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વરાછામાં ડાહ્યાપાર્કમાં રહેતા શૈલેષ પરમાર (ઉ. વ. ૨૨) સફાઇ કામદાર હતો. તા. ૯મીએ શૈલેષ ઘરેથી નિકળ્યા બાદ તે પરત આવ્યો ન હતો. બીજા દિવસે નિયોલ રેલ્વે સ્ટેશન સેઢાવ રેલ્વે ફાટક પાસેથી શૈલેષની રલાશ મળી આવી હતી. ત્યારે તેનું મોત ટ્રેનમાં કપાઇ જવાથી થઇ હોવાની નોંધ કરી હતી. આ દરમિયાન શૈલેષના ભાઇ હિતેશએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી ડિંડોલી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ત્યારે ઘટના પરથી પરદો ઉંચકાયો હતો અને શૈલેષની હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું. તેની હત્યા પ્રેમિકા નેહાના પિતા જયસુખ સુવાળા, ભાઇ નીતિન અને વિજય ખોડુભાઇ વાઘેલાએ કરી હોવાનું ખુલ્યું હતું. બનાવમાં ડિંડોલી પોલીસે હાલમાં આરોપી નીતિન અને વિજયની ધરપકડ કરી છે. જ્યારે જયસુખ સુંવાળા પોલીસ ધરપકડથી દુર હોવાનું જાણવા મળે છે.