અમદાવાદ, તા.૧૦
ગુજરાતના માંડલ પાસેના ગામમાં આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દલિત યુવાન હરેશ સોલંકીની હત્યાના પડઘા ફરી એકવાર સંસદમાં પડ્યા છે. કેરળના કોંગ્રેસના સાંસદ કે. સુરેશે આ મામલે સંસદને સ્થગિત કરવાના પ્રસ્તાવની નોટિસ આપી છે. આ મામલે હવે લોકસભાના અધ્યક્ષ અંતિમ નિર્ણય કરશે. પરંતુ માંડલની આ ઘટનાની ગૂંજ સંસદ ભવન સુધી પહોંચી ગઈ છે.ગુજરાતમાં દલિત જેને પગલે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે અને કેસની સંપૂર્ણ તપાસની સાથે ગામમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે હાલ હરેશ ચંદ્રસિંહ નામના શખ્સની ધરપકડ કરી છે. હરેશ સોલંકીના હત્યા મામલે ૮ શખ્સો સામે ગુનો નોંધાયો છે અને તમામને ઝડપી લેવા માટે પોલીસે ૪ ટીમો બનાવી છે. પોલીસ આ મામલે સંબંધિત લોકોની પૂછપરછ કરી રહી છે. આ તમામ શખ્સો સામે હત્યા, સરકારી કામમાં દખલગીરી અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરાયો છે તેમજ બે લોકોની અટકાયત કરી છે. જ્યારે બાકીના આરોપીઓ ફરાર છે અને આરોપીઓના પાડોશીઓના ઘર પણ બંધ જોવા મળ્યા છે. હાલ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ બનાવની વિગત મુજબ કચ્છ ગાંધીધામમાં રહેતા હરેશ યશવંતભાઈ સોલંકીએ છ મહિના અગાઉ માંડલ પાસે વરમોર ગામમાં રહેતા ઉર્મિલાબહેન ઝાલા સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા. જ્ઞાતિ અલગ હોવાથી યુવતીના પરિવારજનો આ લગ્નથી નારાજ હતા. આ દરમિયાન યુવતીની દાદી બિમાર પડતા પરિવારજનો ગાંધીધામ જઈને દિકરી ઉર્મિલાને પોતાની સાથે લઈ ગયા હતા. પત્નીને તેના ઘરેથી પરત લાવવામાં જોખમ જણાતા હરેશભાઈએ ૮ જુલાઈએ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે, મારી પત્ની બે મહિનાથી પ્રેગનન્ટ છે જેથી મને ચિંતા થાય છે. મને મારા સસરા દશરથસિંહે માંડલના વરમોર ખાતે બોલાવ્યા છે. જેથી તમે મારા સસરા તથા તેમના પરિવારજનોને સમજાવવા માટે સાથે આવો. જેથી ‘અભયમ’ની ટીમ સાથે હરેશ સોલંકી વરમોર જવા રવાના થયો હતો. ત્યારબાદ ૮ જુલાઈએ સાંજે પોણા સાત વાગ્યે યુવતીના પિતા દશરથસિંહ તે સમયે ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા હરેશભાઈને જોઈ ઉશ્કેરાયા અને આને કોણે અહીં બેસાડયો છે કહીને આગળનો દરવાજો ખોલી નાંખ્યો હતો. આ દરમિયાન આઠથી દસ માણસો લાકડી, તલવાર, ધારીયા અને છરી સાથેના હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. તેમણે વાહનની આગળ ટ્રેકટર ઉભુ કરી દઈને આડશ ઉભી કરી દીધી હતી. તેમણે વાહનના આગળના કાચ પર ધોકો મારીને કાચનો ભુક્કો બોલાવી દીધો હતો. દશરથસિંહે બુમ પાડીને કાના, હસમુખસિંહ, જયદીપસિંહ, અનોપસિંહ બધા તૂટી પડો કોઈને છોડવા નથી. આપણી છોકરીને આ ભગાડી ગયો છે. તે ડ્રાઈવર સીટની બાજુમાં બેઠો છે અને તેને બહાર કાઢીને મારી નાંખો. બાદમાં આ શખ્સોએ તિક્ષ્ણ હથિયારો સાથે હરેશના ગળા પર તિક્ષ્ણ હથિયારોના ઘા માર્યા હતા. જ્યારે દશરથસિંહ ધારીયા વડે હરેશના માથાના ભાગે વાર કરતા હતા. ત્યારબાદ દલિત યુવક હરેશ સોલંકીનું મોત થયું હતું.