(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.૧૯
વેરાવળ તાલુકાના કુકરાશ ગામના યુવકનો મૃતદેહ માઇનિંગ લીઝના ખાડામાંથી શંકાસ્પદ હાલતમાં ગઇ કાલે મોડી સાંજે મળી આવેલ છે. આ યુવકને ચાર દિવસ અગાઉ તેની પ્રેમિકાના પરિવારજનોએ માર મારેલ અને ત્યારબાદ યુવક લાપતા બન્યા બાદ તેનો મૃતદેહ મળી આવેલ હોવાનું ચર્ચાય રહેલ છે. આ બનાવ અંગે મૃતકના કાકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુકરાશ ગામે રહેતો ગીરીશ માલાભાઇ સોલંકી તેના ભાઇ અક્ષય સાથે ત્રણેક દિવસ અગાઉ રાત્રીના ગરબી જોવા ગયેલ, તે સમયે યુવક ગીરીશને તેની પ્રેમિકાના પરિવારજનોએ માર મારેલ ત્યારબાદ અક્ષય મોડી રાત્રીના ઘરે એકલો પરત ફરેલ જ્યારે ગીરીશ ગુમ થયો હતો અને ગઇ કાલે મોડી સાંજના આઠેક વાગ્યાના આસપાસ કુકરાશ નજીક આવેલ અંબુજા કંપનીની માઇનિંગ લીઝના પાણી ભરેલા ખાડામાંથી ગીરીશનો મૃતદેહ મળી આવતા ગ્રામ્યજનોએ પોલીસને જાણ કરતા પીઆઇ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. મૃતક ગીરીશને નજીકના ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તે બાબતે યુવકની હત્યા થઇ હોવાનું બનાવ સ્થળે લોકોમાં ચર્ચાય રહ્યું હતું અને હાલ ગીરીશનો મૃતદેહને હોસ્પિટલે ખસેડી પીએમની તજવીજ હાથ ધરી છે. ઉપરોકત બનાવ અંગે મૃતકના કાકા તેજાભાઇ કાનાભાઇ સોલંકીએ કોડીદ્રા ગામે રહેતા હેમંત રાજાભાઇ પાતળ, કાનજી માંડા પાતળ, ડાયા પીઠા પાતળ તથા બે અજાણ્યા માણસોની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે.