અમદાવાદ,તા.૧૩
શહેરના ચાંદલોડિયા બ્રિજ નીચે ગઇ મોડીરાતે એક અજાણ્યા યુવકની માથામાં પથ્થર ઝીંકી હત્યા કરી ફેંકી દેવાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી જવા પામી હતી. પોલીસને જાણ કરાતાં સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોલા હાઇકોર્ટ પોલીસે આ બનાવ સંદર્ભે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે ચાંદલોડિયાબ્રિજ નીચે એક યુવકની લાશ પડી છે. મેસેજના પગલે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તપાસ કરતાં આશરે ર૦ થી રપ વર્ષની ઉંમરના યુવકના માથામાં પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી. મંદિરની પાસે આવેલી કીટલી જેવી જગ્યાએ મોડી રાતે કોઈ શખ્સે આ યુવકની હત્યા કરી નાખી હતી. રેલવે પાટાની નજીકમાં જ હત્યા કરવામાં આવતાં સોલા પોલીસે બ્રિજની નીચે આવતાં-જતાં તમામ અસામાજિક તત્ત્વોની તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરતાં મૃતક યુવક બ્રિજની નીચે જ આવતો-જતો હતો અને માનસિક રીતે અસ્થિર મગજનો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. બ્રિજની નીચે અનેક અસામાજિક તત્ત્વો, દારૂડિયા લોકોની અવરજવર રહેતી હોય છે, જેથી તેઓએ કોઈ અદાવતને લઈ અથવા પૈસા માટે યુવકની હત્યા કરી હોઈ શકે, જોકે મૃતક યુવકને કોઈ સાથે ઝઘડો થયો હોય અને તેની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા પોલીસને લાગી રહી છે. ફરી એકવાર રેલવેના બ્રિજ નીચે હત્યાનો બનાવ બનતાં સ્થાનિક રહીશોેમાં એવી ઉગ્ર માંગણી ઉઠી હતી કે, રેલવે અને સ્થાનિક પોલીસે બ્રિજની નીચે આવતાં-જતાં અસામાજિક તત્ત્વો અને દારૂડિયા લોકોને ઝડપી તેમની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. બ્રિજ નીચે સતત પેટ્રોલિંગ કરવામાં આવે તો કદાચ આવા બનાવ બનતા અટકાવી શકાય. સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાલ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.