કેસરપુરા,તા.૧૪
સાબરકાંઠા સુન્ની મોમિન વેલ્ફેર સોસાયટીના ઉપક્રમે જમિયતુલ ઉલુમ ગઢા કેમ્પસમાં સને ર૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષમાં વિવિધ વિદ્યાશાખાઓમાં ઉચ્ચ ટકાવારી સાથે ઉત્તિર્ણ થયેલ સમગ્ર સુન્ની સમાજના તેજસ્વી તારલાઓને પુરસ્કારીત કરવાનો આઠમો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સમાજના પ્રમુખ ડો.અબ્દુલરહેમાન રાજપુરા (યુ.કે.) તથા મુખ્ય મહેમાન તરીકે જમીયતુલ ઉલુમ ગઢાના પ્રિન્સીપાલ મૌલાના શૈફુદ્દીન અને અતિથી વિશેષ તરીકે સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે સતત ચિંતા કરનાર ડો.હસનઅલી વી.ફતેહ (યુ.એસ.એ.), ગઢા ગામના રહેવાસી અમૃતભાઈ ભાંભી (તાલુકા વિકાસ અધિકારી, ખેડબ્રહ્મા) તથા સરકારી, અર્ધસરકારી ઉચ્ચ હોદ્દા ઉપર સેવા આપતા તથા સમાજના અગ્રણીઓ બિરાજમાન હતા.
વૈવિધ્યસભર આ કાર્યક્રમમાં ૪ ગોલ્ડ મેડલ અને ૮ સિલ્વર મેડલ મળી કુલ ૧૧ર તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમારંભના અધ્યક્ષસ્થાને બોલતાં ડો.અબ્દુલ રહેમાન રાજપુરાએ નાત જાત ભૂલી એક થવું અને દાન આપી સમાજને મજબૂત કરવા જણાવ્યું હતું. લોકકલ્યાણ અર્થે યોગદાન આપવા પર ભાર મૂકતાં જણાવેલ કે ખુદા પૂછશે અને જવાબ આપવો પડેશે કે મેં તમોને તંદુરસ્તી, ધન, દોલત આપી તે ક્યાં ખર્ચ કરી લોકો માટે કેટલો ખર્ચ કર્યો જન્નતમાં મોટું ઘર જોઈતું હોય તો સમાજ સેવા કરી સમાજના ઉત્થાન માટે યુવાનોને લાગી જવા જણાવ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન સોસાયટીના સક્રિય કાર્યકર આબીદભાઈ ખણુસિયાએ કર્યું હતું.