જામનગર,તા.૧૦
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સપ્તાહ પૂર્વે નગરના એક યુવાનને બાઈક પર ધસી આવેલા ત્રણ શખ્સોએ છરી બતાવી લૂંટી લીધાના ગુન્હાની તપાસમાં રહેલી પંચકોશી-એ પોલીસે બે શખ્સો તથા કાયદાથી સંઘર્ષિત કિશોરને પકડી છ લૂંટના ગુન્હા પરથી પરદો ઉંચકયો છે. લૂંટમાં ગયેલી રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા વિપુલભાઈ ધનજીભાઈ ધોળકિયા નામના વ્યક્તિને ગઈ તા.૧ની સવારે પાંચેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલી સહયોગ હોટલથી થોડે દૂર એક મોટરસાયકલ પર આવેલા ત્રણ શખ્સોએ પોતાનું વાહન આડું નાખી વિપુલભાઈને રોકાવ્યા પછી છરી બતાવી ગાળો ભાંડી, ફડાકાવાળી કરી રૃા.૧૪ હજાર રોકડા તથા એક મોબાઈલની લૂંટ કર્યાનો ગુન્હો પોલીસ દફતરે નોંધાયો હતો. પંચકોશી-એ ડિવિઝન પોલીસે તેની તપાસ હાથ ધરી હતી.
તે દરમ્યાન પીએસઆઈ એચ.બી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે પીએસઆઈ ગોહિલને બાતમી મળી હતી કે, આવી રીતે લૂંટ ચલાવતા શખ્સો પૈકીના બે શખ્સો નંબર પ્લેટ વગરના મોટરસાયકલ પર આંટાફેરા કરી રહ્યા છે તે બાતમીના આધારે વોચ ગોઠવાયા પછી રાજકોટ તરફથી દોડી આવતા નંબર પ્લેટ વગરના મોટરસાયકલને રોકી તેના પર સવાર કાલાવડ નાકા બહારના નેશનલ પાર્કમાં રહેતા મહંમદ ઓસમાણ ઉર્ફે હાંડી મેમણ તેમજ તારમામદ સોસાયટીમાં રહેતા હુસેન રફીકભાઈ મલકા તથા કાયદાથી સંઘર્ષિત એક કિશોરને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
ત્રણેય વ્યક્તિઓને પોલીસ સ્ટેશન ખસેડાયા પછી પોલીસે તેઓની પૂછપરછ કરતા હાંડી તથા હુસેને ગઈ તા.૧ના દિવસે ઉપરોક્ત લૂંટ ચલાવ્યાની કબૂલાત આપી છે. પોલીસે આરોપીઓના કબજામાંથી રૃા.૧૪ હજાર રોકડા, રૃા.૪ હજારનો મોબાઈલ, ગુન્હામાં વપરાયેલું મોટરસાયકલ તથા છરી મળી કુલ રૃા.૨૮૦૨૫નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ શખ્સોએ ઉપરોક્ત લૂંટ સિવાય અન્ય કેટલી લૂંટો કરી છે? તે બાબતની પૂછપરછ કરાતા તેઓએ કુલ છ લૂંટની કબૂલાત આપી છે.