(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૩
શહેરના તાંદલજા વિસ્તારનાં આમીર કોમ્પલેક્ષમાં પાર્કિંગના મુદ્દે ઝઘડો થતા ચીકનની દુકાન ધરાવતા પરિવારનાં ચાર સભ્યો સહિત પાંચ જણાંએ યુવકને છરો મારી તેની કરપીણ હત્યા કરી દીધી હતી. રવિવારે રાત્રે હત્યાના આ બનાવ અંગે પોલીસે બે જણાંની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે યુવકની દફનવિધી કરવામાં આવી હતી. આ બનાવ અંગે જે.પી. રોડ પોલીસે પાંચ જણાં સામે ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર તાંદલજા વિસ્તારમાં આવેલ આમીર કોમ્પલેક્ષમાં રહેતો ૨૨ વર્ષીય ઇલીયાસ યાસીનભાઇ મેમણ રીક્ષા ડ્રાઇવીંગ અને કન્સ્ટ્રકશન સાઇડ ઉપર કામ કરતો હતો. પોતાના રહેઠાણ નીચે કબીર ચીકન શોપ આવેલી છે. આ દુકાન ધરાવતા ફારૂક અબ્દુલ ગફુર શેખ તથા તેના પુત્ર ફરહાન અને ફારૂકનાં ભાઇ મુન્નાને સાથે દુકાન પર આવતા ગ્રાહકો વ્યવસ્થીત પાર્કિંગ કરે તે અંગે ઇલીયાસે જણાવ્યું હતુ. પાર્કિંગ બાબતે અગાઉ ઇલીયાસ અને ફારૂક તથા તેના પરિવારજનો સાથે ઝઘડો થયો હતો. રવિવારે મોડી સાંજે પણ પાર્કિંગ બાબતે ઇલીયાસે ફારૂકને કહેતાં ફારૂક,તેની પત્ની ફરીદા, પુત્ર ફરહાન, ભાઇ-મુન્નો તેમજ દુકાનમાં નોકરી કરતો પરવેઝ ઉર્ફે ટકલો ચાકુ લઇ ધસી આવ્યા હતા. આ ઝઘડામાં ફરહાન અને તેના પિતાએ છાતીનાં ભાગે છરો મારી દીધો હતો. તેની માતાએ માથામાં ઇંટ ફટકારી હતી. પુત્રને છોડાવવા પડેલ યાસીનભાઇ મેમણ ઉપર પણ શેખ પરિવારે જીવલેણ હુમલો કરી તેમણે પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. છરાનાં ઘા લાગતા ઇલીયાસને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તબીબે તેને મરણ પામેલ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે યાસીનભાઇ ભોલાભાઇ મેમણની ફરિયાદને આધારે ફારૂક તથા તેના પરિવાર અને નોકર સહિત પાંચ જણાં સામે ખૂન તથા ખૂનની કોશિષ સહિતનો ગુનો નોંધી પોલીસે ફરીદા અને નોકર પરવેઝ ઉર્ફે ટકલાની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ ઇલીયાસનાં મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. તાંદલજામાં બનેલા આ હત્યાનાં બનાવે ચકચાર મચાવી મુકી હતી. આજે સવારે ઇલીયાસની દફનવિધી કરવામાં આવી હતી.