(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
શહેરના પુણા વિસ્તારમાં રહેતા યુવાનને માથે દેવું થઇ જતાં વ્યાજખોરોએ અવારનવાર પૈસા માટે શારીરિક માનસિક ત્રાસ આપતા,અંતે યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઇ આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પુણાગામના કલ્યાણનગરમાં રહેતા વિધવા વિમળાબેન રવજીભાઇ વિઠ્ઠલભાઇ રાઠોડના પુત્ર ભાવેશે પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પુણા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી પુણા પોલીસે વિમળાબેનની ફરિયાદ લીધી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, તેના પુત્ર ભાવેશે આજથી બે વર્ષ પહેલા જેસર ગામમાં ટુ – વ્હીલરનો ડ્રો કર્યો હતો. જેથી જે તે સમયે તેણે વિક્રમસિંહ કુરુભા સરવૈયા (રહે. ગામ – જુનું પા તા. જેસર જિલ્લા – ભાવનગર) પાસેથી ૯ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. બાદમાં ભાવેશે સુરેશબાઇ નાગજીભાઇ વસાણી (રહે. ભવાની સોસાયટી, પુણાગામ) પાસેથી અઢી લાખ રૂપિયા, આ ઉપરાંત ફાયનાન્સનો ધંધો કરતા વિનયભાઇ મોગલ ગલ્લાવાળા (રહે. સત્યનગર સોસાયટી) અને રવિભાઇ ફાયનાન્સ વાળા પાસેથી ૨૫ હજાર લીધા હતા. વિમળાબેને પચાર હાજાર રૂપિયા સુરેશભાઇ વસાણીને પરત આપી દીધા હતા. જો કે, તેમ છતાં ભેગા મળી કડક ઉઘરાણી કરી અવારનવાર ફોન કરી રૂપિયાની ઉઘરાણી માટે ધમકીઓ આપતા હતા. જેનાથી કંટાળી ભાવેશે શનિવારે ઘરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જેથી પોલીસે વિમળાબેનની ફરિયાદ લઇ વિક્રમસિંહ કુરુભ સરવૈયા (રહે. ગામ – જુનું પા તા. જેસર જિલ્લો, ભાવનગર), સુરેશભાઇ નાગજીભાઇ વસાણી (રહે. ભવાની સોસાયટી પુણાગામ), પ્રદિપભાઇ મહારાજ લેસવાલા (રહે. ભવાની સોસાયટી પુણાગામ), વિનુભાઇ મોગલ ગલ્લાવાળા (રહે. સત્યનારાયણ સોસાયટી સુરત) અને રવિભાઇ ફાયનાન્સ વાળા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંદી તપાસ આદરી છે.