કોડિનાર, તા.૧૫
શિંગોડા ડેમમાંથી કોડિનારના યુવાનની લાશ મળતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની વિગત મુજબ કોડિનાર મામલતદાર ઓફિસ નજીક સુરજકુંડ વિસ્તારમાં શિંગોડા નદીમાં મૃતદેહ તરી રહ્યો હોવાની જાણ થતાં પીએસઆઈ કે.એન. પરમાર, ટાઉન જમાદાર કાળુભાઈ ગઢવી, રાઈટર પ્રદીપભાઈ ગોહિલ સહિતનાં સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને નદીમાંથી બહાર કાઢી સરકારી દવાખાને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરતા મૃતકનું નામ પરેશભાઈ વજુભાઈ મેર (ઉ.વ.રપ રહે. હાડીવાસ કોડિનાર)નો હોવાનું અને પરેશભાઈ બે દિવસ પહેલા સરકારી દવાખાને સારવાર લીધા પછી ગુમ થતાં ગઈકાલે તેના પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની નોંધ દાખલ કરાવી હતી. ત્યારે આજે સવારે પરેશભાઈનો મૃતદેહ શિંગોડા નદીમાંથી મળી આવતાં પ્રાથમિક તપાસમાં કોઈ અગમ્ય કારણોસર પરેશભાઈનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.