ભાવનગર, તા.૮
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે આજે વ્હેલી સવારના સુમારે આ ગામના બજારમાં યુવાનની લોહી લુહાણ હાલતે લાશ પડી હોવાની જાણ થતા ગામના લોકો ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ બનાવની પોલીસે તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ દિહોર ગામમાં જ રહેતા અનિલ મનુભાઈ બારૈયા (ઉ.વ.રર) નામનો કોળી યુવાન હોવાનું ખુલવા પામ્યું હતું. મૃતક યુવાન આ ગામમાં જ શિક્ષક સુંદરજી પનોતની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતો હતો ગત મોડી રાત્રે તે વાડીમાં પાણી વાળવાનું કામ કરતો હતો ત્યારે આશરે ૧ર વાગ્યાના અરસામાં ફોન આવતા તે શિક્ષક સુંદરજીની બાઈક લઈને દિહોર ગામે ગયો હતો. આ યુવાન બાઈક લઈને મોડી રાત્રે નીકળ્યો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ પૂર્વ આયોજિત પ્લાનિંગ મુજબ આ યુવાન ઉપર તિક્ષ્ણ હથિયારો વડે આડેધડ ઘા ઝીંકી દઈ યુવાનું ઢીમ ઢાળી દીધું હતું અને શરીર ઉપર કેરોસીન છાંટી લાશને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરાયો હતો. મૃતક મોબાઈલ ઉપર છેલ્લા આવેલા ફોન નંબરના આધારે હત્યાનો ભેદ ઉકલાયો હતો. જાણભેદુ હત્યારા હોવાનું અને આ વિસ્તારમાંથી આ યુવાન રાત્રે પસાર થવાનો હોવાની માહિતી હોવાથી તેની ઉપર હુમલો કરાયો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે. ગણતરીની કલાકમાં જ આ યુવાનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાઈ જાય તેવી સંભાવના રહેલી છે.
આ બનાવની જાણ થતા ભાવનગરથી ડોગસ્કોડ, એફએસએલની ટીમ અને ભાવનગરની એલસીબી બ્રાંચની ટીમ પણ તપાસ અર્થે દિહોર ગામ પહોંચી ગઈ છે અને હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.