ભાવનગર, તા.ર૪
ભાવનગર શહેરના ઘોઘા રોડ શિતળા માતાના મંદિર પાસે આવેલા મારૂતી નગર વિસ્તારમાં સ્થાનિક યુવા મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈ કાલે રવિવારે વિસર્જનનો દિવસ હોય જેથી ભાવનગર નજીકના કુડાના દરિયામાં યુવાનો મૂર્તિ વિસર્જન માટે ગયા હતા. તે વેળાએ ત્રણ યુવાનો ડૂબવા લાગ્યા હતા. તેમાંથી બે યુવાનોને તરવૈયાઓએ દરિયામાંથી બહાર કાઢી લીધા હતા. જ્યારે ભાવનગર શહેરના ગૌશાળા વિસ્તારમાં રહેતા તુલસીભાઈ નારણભાઈ મકવાણા (ઉ.વ.૩૩) નામનો યુવાન લાપતા થયો હતો જેની આજરોજ સોમવારે વહેલી સવારે દરિયાના પાણીમાંથી લાશ કાઢવામાં આવી હતી. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.