વિસનગર,તા.૨૯
વિસનગરમાં વર્ષોથી ચાલી આવતી બળદ ગાડું દોડાવવાની પ્રથામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. વહેલી સવારે યોજાયેલ આ પરંપરાગત હાથિયા ઠાઠુ પ્રથા દરમિયાન ૧૮ વર્ષીય જયેશ પટેલ નામના યુવકનું મોત નિપજ્યું હતું. બળદ ગાડું દોડાવવાની પ્રથા દરમિયાન આ યુવક બળદ ગાડાની વચ્ચે આવી જતાં તેનું મોત નિપજ્યું હતું. જેના પગલે વિસનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. વિસનગર તાલુકાના વાલમ ગામમાં હાથિયા ઠાઠુ મહોત્સવનો પ્રારંભ થયો છે તે દરમિયાન આ ઘટના બની હતી. બે દિવસ ચાલનારા આ મહોત્સવમાં હાથિયા ઠાઠુના જોડેલા બળદોને ગામની ગલીઓમાં દોડાવવામાં આવે છે. વાલમ ગામમાં હાથિયા ઠાઠુ મહોત્સવની શરૂઆત પૂનમથી જ થઇ જાય છે. જેમાં મા સુલેશ્વરીની ઘેર-ઘેર પધારમણી કરવામાં આવે છે. પાંચમે માતાની પલ્લી ભરાય છે, જ્યારે છઠ્ઠના દિવસે શુકન જોવામાં આવે છે. જ્યારે નોમ અને દસમના દિવસે હાથિયા ઠાઠુની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વહેલી સવારે પરોઢીયે હાથિયા અને ઠાઠુ એમ બે રથ તૈયાર કરવામાં આવે છે જેને બળદો સાથે જોડી ગામની ગલીઓમાં દોડાવાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામના પરિવારો જોડાય છે.