(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.૨૯
સમાજસેવક તેમજ પ્રજાનો સાચો સેવક તેને જ કહી શકાય કે જેની પાસે કોઇપણ જાતની સત્તા કે પદ ના હોવા છતાંય સદાય અવિરત લોકકલ્યાણના કાર્યો માટે તત્પરતા દાખવે. જો આવા લોકહિતાર્થના કામો સાથે સંકળાયેલા સાચા સમાજ સેવકને પદ મળી જાય તો તેના સેવાકીય કાર્યો વધારે વેગીલા બની જતા હોય છે. આવા જ એક ખંતથી અને તન, મન, ધનથી લોકસેવાના કાર્યો સાથે જોડાયેલ સેવાના ભેખધારીનું નામ છે સુલેમાન મુસા પટેલ. ગ્રામ પંચાયતના કોન્ટ્રાકટર તરીકે કારકીર્દીની શરૂઆત કરનાર સુલેમાનભાઈની સેવાની સુવાસ માત્ર દહેજ વિસ્તાર જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રસરી જવા પામી છે. તેઓએ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને આરોગ્ય વિષયક સેવાઓના સથવારે પ્રજા સાથેનો સંપર્કસેતુ અકબંધ રાખ્યો છે. કોઈ પણ ક્ષેત્ર હોય જ્યાં જરૂરત પડે ત્યાં તેઓ માનવીય અભિગમના ભાગરૂપે માનવતાની મહેક અને સેવાકીય કાર્યોની ખુશ્બુ ફેલાવી રહ્યા છે. વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણીના જંગમાં ઉતારાયેલ ઉમેદવાર સુલેમાન પટેલે કારકિર્દી દરમિયાન કરેલ કામગીરીની હકીકત તેઓના શબ્દોમાં જ સાંભળીએ.
પ્રશ્ન :- સુલેમાનભાઈ તમોએ સામાજિક કાર્યકર અને પ્રજાના સેવક તરીકેની કારકિર્દીમાં અત્યાર સુધી કઈ-કઈ કામગીરી કરી છે ?
સમાજસેવક તરીકેની લાંબી કારકિર્દીમાં અત્યાર સુધી અનેક સેવાકાર્યો કર્યા છે. નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના સામાજિક, શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી કામો કરવામાં સદાય તત્પર રહ્યો છું. દરેક સમાજના સમૂહલગ્નોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઇ આર્થિક રીતે મદદરૂપ થાઉં છું. સમાજસેવાના કાર્યો સાથે સંકળાયેલ સંસ્થાઓમાં સહાયરૂપ થાઉં છું. અલગ-અલગ વિસ્તારોમાં થતા મેડિકલ કેમ્પોમાં નિદાન અને સારવાર અર્થે જરૂરી સાધન-સહાય પૂરી પાડવા ઉપરાંત કબ્રસ્તાન કે સમશાન સહિત અન્ય ધાર્મિક સ્થાનોમાં ભેદભાવ સિવાય વીજળી-પાણી બ્લોક પેવીંગના કામોમાં સહાયભૂત થઇ રહ્યો છું. કચડાયેલ તેમજ દબાયેલ વર્ગને ખાસ મદદરૂપ થવાની ભાવના ધરાવું છું. મોહર્રમ, ઈદે-મિલાદ તેમજ હિંદુ ધર્મના નવરાત્રી, દિવાળી, બેસતું વર્ષના ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપીને કોમી એકતા અને ભાઈચારાની ભાવનાને બળવત્તર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આમ તમામ કોમો સાથે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે તેવા મારા પ્રયત્નો છે.
પ્રશ્ન :- આપ ધારાસભ્ય બનો તો ક્યા કાર્યોને પ્રાધાન્ય આપશો ?
અગર જો હું આ ચૂંટણી જંગમાં વિજયી નીવડીશ તો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા મારા મતવિસ્તારના પ્રાણપ્રશ્નોને વાચા આપીશ. પ્રજાના જે કાઈ પણ પ્રશ્નો હશે તેને સરકાર સુધી પહોંચાડવામાં મહત્ત્વની કડીરૂપ કામગીરી બજાવીશ. વિધાનસભામાં દલિતો, મુસ્લિમો તેમજ પછાત વર્ગના લોકો સહિત દરેક વર્ગના પ્રશ્નોની સબળ રજૂઆત કરી સરકારનું ધ્યાન દોરવા મક્કમ પ્રયત્નો કરીશ. આ ઉપરાંત મારા મતવિસ્તારની મુખ્ય સમસ્યા સ્થાનિક યુવકોની બેરોજગારી અને લેન્ડલુઝર્સ ધરતીપુત્રોને નોકરીમાં થતા અન્યાયના મુદ્દાને પ્રાધાન્ય આપીશ. પંથકના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે કાર્યરત રહીશ. વધુમાં વાગરા ઓદ્યોગિક હબ ગણાતું હોવા છતાં આ વિસ્તારમાં તકનિકિ ડિપ્લોમાં કે ડિગ્રી કોલેજ નથી જેથી આ વિસ્તારમાં ટેકનિકલ કોલેજ સ્થપાય તે દિશામાં આગળ વધીશ. ઉક્ત વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ૨૪ કલાક ૧૦૮ની સુવિધા મળતી બંધ થઇ ગઈ છે જેને પૂર્વવત કરવાની કોશિશ કરીશ. પંથકમાં વર્ષોથી ચાલી આવતી મીઠા પાણીની સમસ્યાને દૂર કરવા માટે પૂરતો પ્રયત્ન હાથ ધરીશ. સાથે જ એક મહત્ત્વની કામગીરીના ભાગરૂપે મારા વિસ્તારના નવયુવાનો આધુનિક વિશ્વ સાથે કદમ મિલાવી પ્રગતિના સોપાનો સર કરે તે માટે આ વિસ્તારને વાઈ-ફાઈ સુવિધાથી સજ્જ કરવાની ખેવના ધરાવું છું. તેઓએ ગુજરાતમાં અગર જો કોંગ્રેસની સરકાર બનશે તો ૧૦ દિવસમાં ખેડૂતોના દેવા માફ કરશેની અગત્યની જાહેરાત પણ કરી હતી.
પ્રશ્ન :- કોંગ્રેસના ઉમેદવાર તરીકે તમો પ્રજાજનોને શું સંદેશો આપશો ?
સહુ પ્રથમ તો હું મારા જેવા અદના કાર્યકર અને એકદમ સામાન્ય માણસને ટિકીટ આપવા બદલ કોંગ્રસ પક્ષ તેમજ ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય આગેવાન અહમદ પટેલનો ખાસ આભાર વ્યક્ત કરૂં છું. વધુમાં મારા વિસ્તારની જનતાને અપીલ કરતા કહેવું છે કે હાલ ગુજરાતમાં લોકોનો મૂડ સત્તા પરિવર્તન તરફનો હોવાથી રાજ્યમાં કોંગ્રેસ માટે સુવર્ણ તક રહેલી છે ત્યારે લોકો કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડી નવસર્જન ગુજરાતમાં પોતાની હિસ્સેદારી નોંધાવે. તા.૯મી ડિસેમ્બરના રોજ ઉજવાનાર લોકશાહીના મહાપર્વ નિમિત્તે લોકો મોટાપાયે મતદાન કરી પોતાના મતની કિંમત અને તાકાતનો પરચો દેખાડી આપે તેવી અપીલ કરી હતી.

યુવાનો સુલેમાન પટેલનું જમા પાસુ
વાગરા, તા.૨૯
વાગરા વિધાનસભા મતવિસ્તારમાં દહેજ અને વિલાયતમાં અનેકવિધ કંપનીઓ આવેલી છે. તેમ છતાંયે કંપનીના સત્તાધીશો સ્થાનિક શિક્ષિત યુવાનોને રોજગારી પૂરી પાડવામાં પાછીપાની કરી રહ્યા છે .ત્યારે રોજગારીથી અલિપ્ત અને કામ-ધંધો કરવા માંગતા યુવકો માટે સુલેમાન પટેલ રાતદિવસ એક કરીને તેમની પાસે આવનાર યુવકોને નોકરી અપાવવાનું કામ બખૂબી નિભાવિ રહ્યા છે. યુવા રોજગાર અને યુવાનોની અન્ય સમસ્યાઓ માટે સદાય જજુમતા સુલેમાન પટેલ યુવાઓના આઇકન બની ગયા છે. તો સામે પક્ષે યુવાનોને પોતાના દિલની ધડકન અને પોતાની તાકાત માનતા સુલેમાનભાઈ માટે યુવાઓ પણ ખડે પગે હાજર રહી તેઓની જીત થાય તે માટે પ્રચાર-કાર્યમાં જોર-શોરથી હિસ્સો લઇ રહ્યા છે જે બાબત તેમનું જમા પાસુ મનાઈ રહ્યું છે.

સુલેમાન પટેલ પંથકના લોકો માટે આદર્શ વ્યક્તિ : ઘનશ્યામસિંહ યાદવ : માજીસરપંચ-વડદલા
વાગરા, તા.૨૯
વાગરા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ તરફે ઉમેદવારી કરનાર સુલેમાન પટેલના વ્યક્તિત્વ વિશે વડદલા ગામના માજી સરપંચ ઘનશ્યામસિંહ યાદવે તેમની થોડી અલપઝલપ વાતો કરી હતી. તેમણે જણાવ્યંુ હતું કે સુલેમાનભાઈના હકારત્મક અભિગમને કારણે કોઈપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના તન, મન અને ધનથી તે ઉદાર હાથે સૌની મદદ કરે છે. જેને લઈને તે સહુ કોઈના દિલોમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી શક્યા છે. તેઓ બધા માટે એક આદર્શ વ્યક્તિની છાપ ઊભી કરવામાં સફળ રહ્યા છે. દહેજ પંથકમાં તેઓએ એક મિશાલ કાયમ કરી છે અને કોઇપણ સમાજનો કોઇપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તેના ઉકેલ માટે હરહંમેશ તત્પર રહે છે. ખાસ કરીને હિંદુ સમાજના નવરાત્રી પર્વ ટાણે કેટલાય વર્ષોથી ઉદાર હાથે સહાયરૂપ બની રહ્યા છે. બીજું કે બહુમતી સમાજની ગરીબ કન્યાઓના લગ્ન પ્રસંગે આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુલેમાન પટેલ મંદિર-મસ્જિદ કે દરગાહના બાંધકામમાં પણ જરૂરિયાત મુજબ દાન આપી કોમી એકતાની મિશાલ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. નાત-જાતના ભેદભાવથી પર રહી સર્વે સમાજને મદદરૂપ થતા સુલેમાનભાઈ પંથકના લોકો માટે આદર્શ વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે.

બહુમતી કોમની વસ્તી ધરાવતા જોલવા ગામમાં સુલેમાન પટેલ છેલ્લા ૧૫ વર્ષથી પંચાયતનો વહીવટ સંભાળે છે
વાગરા તા.૨૯
૧૫૧-વાગરા વિધાનસભા બેઠક પર લો પ્રોફાઈલ ધરાવતા તેમજ સરળ અને સૌમ્ય સ્વભાવના સુલેમાન પટેલને કોંગ્રેસ પાર્ટીએ ભાજપના મુકાબલામાં ઉતાર્યા છે. કોંગ્રેસની પરંપરાગત ગણાતી વાગરા બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો હતો. આ વખતે કોંગ્રેસ પક્ષે દહેજ પટ્ટી પર આવેલા નાનકડા ગામના ઉમેદવારને ટિકીટ આપી છે. આ ઉમેદવાર સુલેમાન પટેલ તેઓના દરેક સમાજ સાથેના સુમેળભર્યા સંબંધો તથા દરેક લોકોને નાત-જાતના ભેદભાવ વિના મદદરૂપ થવાની ભાવનાને કારણે આજે જોલવા ગામમાં મહત્તમ બહુમતી કોમની વસ્તી હોવા છતાંય લઘુમતી કોમમાંથી આવતા સુલેમાન પટેલ છેલ્લા ૧૫ વર્ષથી સતત વહીવટ ચલાવતા આવી રહ્યા છે. જે તેમનું એક ઉજળું પાસું લેખી શકાય તેમ છે.