નવી દિલ્હી, તા.૧૪
ખરાબ ફોર્મમાં ચાલી રહેલા યુવરાજસિંહને શ્રીલંકા વિરૂદ્ધ રમાનારી આગામી વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમમાંથી બહાર કરી દેવાયો છે પણ પસંદગીકારોએ ધોની ઉપર વિશ્વાસ જાળવી રાખ્યો છે. પ્રતિભાશાળી મનિષ પાન્ડેનું ટીમમાં પુનરાગમન થયું છે. ચાર સિનિયર બોલરો મો.શમી અને ઉમેશ યાદવ તથા મુખ્ય સ્પિનરો અશ્વિન અને જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. યુવા ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે ટીમમાં પુનરાગમન કર્યું છે. બુમરાહનો પણ વન-ડે અને ટવેન્ટી-ર૦ શ્રેણી માટે ૧પ સભ્યોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેને વેસ્ટઈન્ડિઝ સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. પાંચ મેચોની વન-ડે સિરીઝ આગામી રવિવારથી શરૂ થશે તેનું સમાપન ૬ સપ્ટેમ્બરે કોલંબોમાં એકમાત્ર ટવેન્ટી-ર૦ મેચની સાથે થશે.
ટીમ : કોહલી (કપ્તાન), ધવન, રોહિત શર્મા, રાહુલ, મનીષ પાન્ડે, રહાણે, કેદાર જાદવ, ધોની, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચહલ, બુમરાહ, ભુવનેશ્વર, શાર્દુલ ઠાકુર.