(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
ડેટા એન્ટ્રીનું ઘર બેઠા કામ આપવાની લાલચ આપી વડોદરાની યુવતિ પાસેથી પૈસા ખંખેરી છેતરપિંડી કરનાર બનારસકાંઠાના ભેજાબાજ મામા-ભાણેજની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, વાઘોડીયા રોડ પર આવેલા સનમિલન કોમ્પલેક્ષનાં સંસ્કૃતિ ટાવરમાં રહેતા અર્પિતાબેન શાંતિલાલ માછી નર્સિંગનો કોર્ષ પુરો કરી નોકરી માટે સોશ્યલ વેબસાઇટ પર પોતાનો બાયોડેટા મુક્યો હતો. જે બાયોડેટા જોઇ કરણ તન્ના નામનાં શખ્સે અર્પિતાબેનને ફોન કરીને પોતે અમદાવાદની ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝમાંથી બોલતો હોવાનું જણાવી અમારી એજન્સી ઘરે બેઠા ડેટા એન્ટ્રીનું કામ આપે છે, અને એક પેજનાં ૨૦ રૂા. આપવામાં આવે છે તેમ જણાવતા અર્પિતાબેને કામ કરવાની તૈયારી બતાવી હતી.
ત્યારબાદ ભેજાબાજ કરણ તન્નાએ કામ શરૂ કરતાં પહેલા રજીસ્ટ્રેશન માટે ૧૫૦૦ રૂા. ભરવા પડશે એમ કહી પોતાના મામા ભુપેન્દ્ર ભેમજીભાઇ ઠક્કરનાં ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. તેમજ ત્યારબાદ ટ્રેનિંગ માટે વધુ ૧૦૦૦ રૂા.ની માંગણી કરી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.
ત્યારબાદ ભેજાબાજોએ ડેટા એન્ટ્રીનું કામ નહીં આપતા અર્પિતાબેને વડોદરા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેનાં પગલે પોલીસે બનાસકાંઠાના ઠક્કર વાસમાં રહેતા ભુપેન્દ્ર ઠક્કર અને તેના ભાણીયા કરણ તન્નાની પાટણથી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.