(એજન્સી) બેંગ્લુરૂ, તા.૯
કર્ણાટક પોલીસે ભાજપ યુવા મોરચાના નેતાની ર૦ વર્ષીય યુવતી ધન્યશ્રીને કથિત રીતે આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ ધરપકડ કરી છે. અહેવાલ મુજબ તેણીએ ‘‘હું મુસ્લિમોને પ્રેમ કરું છું’’ એવો વોટ્‌સએપ મેસેજ વહેતો કરતાં ભાજપના યુવા મોરચાના નેતા અનીલ રાજે તેની સતામણી કરવાની શરૂઆત કરી હતી. બી.કોમ.ની વિદ્યાર્થિની ધન્યશ્રીએ પોતાના મિત્ર સંતોષ સાથે શુક્રવારે ધાર્મિક હિંસા અંગે વાતીચત કરતાં એક પ્રશ્નના જવાબમાં લખ્યું હતું કે હું મુસ્લિમોને પ્રેમ કરું છું. યુવતીના આ વાક્યથી સંતોષ ગુસ્સે ભરાયો હતો અને તેણીને મુસ્લિમો સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન રાખવા ચેતવણી આપી હતી. ત્યારબાદ સંતોષે આ વાતચીતનો સ્ક્રીનશોટ લઈ બજરંગદળ અને વિહીપના સ્થાનિક નેતાઓને મોકલ્યો હતો. ધન્યશ્રી અને તેની માતા માટે આ વિષય ત્રાસદાયિક બન્યો જ્યારે આ સ્ક્રીનશોટ વાયરલ થયો. ધન્યશ્રીએ આત્મહત્યા કરતા પહેલાં લખેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, અનિલ સહિત પાંચ સભ્યોની ટોળકીએ મુસ્લિમ સાથે મિત્રતા કરવા બદલ તેણી સાથે ઝઘડો કર્યો હતો. પોલીસ સુપ્રિટેન્ડન્ટ કે.અન્નામલાઈએ જણાવ્યું કે શનિવારે સાંજે પાંચ લોકો તેણીના ઘરે પહોંચ્યા હતા અને યુવતી અને તેની માતા સાથે ઝઘડો કર્યો હતો. આ ટોળાએ આરોપ મૂકયો કે યુવતી એક મુસ્લિમ યુવક સાથે ફરી રહી છે અને તેને લવજિહાદનો માર્ગ ગણાવ્યો હતો. આ ઘટનાથી હતાશ થઈ તેણે આત્મહત્યા કરી છે. પોલીસે ધન્યશ્રીનો મોબાઈલ કબજે કર્યો છે. જેના દ્વારા તેમને જાણવા મળ્યું કે તેનો અમે મુસ્લિમ યુવકનો ફોટો પણ વાયરલ કરવામાં આવ્યો છે. અન્નામલાઈએના જણાવ્યા મુજબ આ તસવીર પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જેમણે શાબ્દિક સતામણી કરી છે. તેમની ધરપકડ કરાશે. અનિલની ધરપકડ બાદ પોલીસે હવે મુખ્ય આરોપી સંતોષ અને અન્ય ત્રણ લોકોની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે. આ ઘટના કર્ણાટકમાં ચૂંટણીના મહિનાઓ પહેલાં બની છે. જ્યારે ભાજપ પર હિન્દુત્વકાર્ડ રમી મતવિભાજનના ગંભીર આરોપો મૂકાઈ રહ્યા છે.