(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૧
સુરત શહેરના અઠવાલાઇન્સ ખાતે આવેલી નવી કોર્ટ બિલ્ડીંગના નવમા માળેથી ૩૦ વર્ષિય યુવતીએ છલાંગ લગાવતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. યુવતીએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવતા વકીલો અને અન્ય લોકો દોડીને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેને ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નવમા માળેથી છલાંગ લગાવનાર મહિલાનું નામ સિમ્પીસીંગ ઉ.વ.આ.૩૦ હોવાનું બહાર આવ્યું છે. સિમ્પીસીંગના લગન્ વિજયસીંગ મુરલીસીંગ સાથે ર૦૧પમાં થયા હતા. વિજયસિંગ ઉધના ખાતે બેંકમાં નોકરી કરે છે અને ડીંડોલી નીલગીરી સર્કલ મયુરનગર ખાતે રહે છે. સિમ્પીસીંગના પિતા લાલસીંગ સત્યનારાયણ નગર બમરોલી ખાતે રહે છે. સિમ્પીસીંગના ભાઇએ વધુમાં જણાવ્યું હતું કે લગન્ના પ્રથમ દિવસે જ તેણીને સાસરીયાએ ઝેર આપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કેસ કર્યો હતો અને કેસ પાછો ખેંચવા માટે ધમકીની સાથે દબાણ કરવામાં આવતું હતું. જોકે સિમ્પીસીંગે કયા કારણોસર પડતુ મુક્યું તે અંગે સચોટ કારણ આવ્યું નથી. મહિલા કુદી પડી ત્યારે આવેલા અવાજના પગલે વકીલોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને દોડીને ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.