(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
શહેર નજીક નેશનલ હાઇવે નં.૪૮ પર રસ્તા પર ઉભેલી ટ્રક સાથે એકિટવા અથડાતા ૧૯ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે એકટીવા પાછળ બેઠેલી યુવતીના માતાને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વડોદરા પાસે નેશનલ હાઇવે નં.૪૮ ઉપર આવેલા પોર ગામમાં રહેતી ઉન્નતી ઉપાધ્યાય (૧૯) ગુરૂવારે રાત્રે તેની માતાને એકિટવા પર લઇને તરસાલી સ્થિત હોસ્પિટલમાં ગઇ હતી. જ્યાં હોસ્પિટલમાંથી કામ પતાવ્યા પછી ઉન્નતિ અને તેની માતા એક્ટીવા પર ઘરે જવા માટે નીકળ્યા હતા. આ સમયે રાત્રીના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે નં.૪૮ ઉપર માતૃછાયા રેસ્ટોરંટ પાસે એક ટ્રકને પંચત પડતા ચાલકે ટ્રક રસ્તા પર ઉભી કરી દીધી હતી.
આ સમયે હાઇવે પરથી પસાર થઇ રહેલી ઉન્નતિએ અચાનક જ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને એકટીવા ધડાકાભેર ટ્રકની પાછળ ભટકાઇ ગઇ હતી. અકસ્માત સર્જાતા એકટીવા ચાલક યુવતીને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળે પર જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલી તેની માતાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.