(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક વિલા એપાર્ટમેન્ટમાં રહેતી ર૧ વર્ષિય ફેશન ડિઝાઇનર યુવતીના હૃદય સહિતના અંગોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી હતી.ગ્રીન કોરીડોરની મદદથી યુવતીનું હૃદય ૨૬૯ કિ.મી.નું અંતર ૧૦૭ મિનિટમાં કાપીને મુંબઈમાં યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે સુરતમાંથી આ ૨૧માં વ્યક્તિનું હ્રદયનું દાન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સ્વસ્તીક વિલા એપાર્ટમેન્ટમાં જાનવી તેજસ પટેલ પરિવાર સાથે રહેતી હતી, અને ફેશન ડિઝાઈનનો અભ્યાસ કરી ફેશન ડિઝાઈનર તરીકે કાર્યરત હતી. ગત તા. ૧૭મીના રોજ હેપ્પી હોમ રેસીડન્સી સામે આવેલ એરીસ્ટા બિલ્ડીંગ પાસે જાનવી કારની ડિક્કી પરથી નીચે પડી જતા માથામા ગંભીર ઈજા થવાથી તે બેભાન થઇ ગઈ હતી. જેથી જાનવીને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેને ડોક્ટરો દ્વારા બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી. જાનવી બ્રેનડેડ થવાની માહિતી ડોનેટ લાઈફને થતા ટીમ હોસ્પિટલ પહોંચી હતી. અને જાનવીની માતા અને પરિવારને ઓર્ગન ડોનેશન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પરિવાર અંગોના દાન માટે સંમત થયા હતા. જેમાં હાર્ટ, લિવર, કિડની અને આંખનું દાન સ્વિકારમાં આવ્યું હતું. હૃદયનું દાન સ્વિકારી ગ્રીન કોરીડોરની મદદથી યુવતીનું હૃદય મુલુંડમાં આવેલી ફોર્ટીસ હોસ્પિટલ સુધીનું ૨૬૯ કિ.મી.નું અંતર ૧૦૭ મિનિટમાં કાપીને ૨૬ વર્ષીય લાલજી ગેડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સુરતમાંથી અત્યાર સુધીમાં ૨૧ હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫ મુંબઈ, ૩ અમદાવાદ, ૧ ચેન્નઈ, ૧ મધ્યપ્રદેશ, અને ૧ દિલ્હીમાં હાર્ટ દાન કરવામાં આવ્યા છે. જાનવીના માતાપિતા અમીતાબેન તેમજ તેજસભાઈએ જણાવ્યું કે, બનવાકાળ જે બનવાનું હતું તે બની ગયું છે. અમારી દીકરી બ્રેનડેડ થઈ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેનું શરીર બળીને રાખ થઇ જાય એના કરતા તેના અંગોના દાન થકી કોઈકના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આગળ વધવાનું જાનવીના પરિવારે જણાવ્યું હતું.
જાનવીના અંગદાનથી ૬ લોકોને નવજીવન મળ્યું
દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી નરેશ મધુભાઈ રાજપરા ઉ.વ.૪૭ અને બીજી કિડની રાંચી, ઝારખંડના રહેવાસી રાકેશકુમાર ચંદ્રમદન ઝા ઉ.વ. ૪૨માં જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી જીજ્ઞાબેન વિજયકુમાર પટેલ ઉ. વ. ૪૭માં કરવામાં આવ્યું છે.