નવસારી, તા.૨૫
નવસારીમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર નવસારી એસઓજી પોલીસે દરોડા પાડી ત્રણ સંચાલકો અને બે વિદેશી લલનાઓને ઝડપી પાડી હતી. નવસારીના કબીલપોર ગામે હાઇવેની નજીકમાં આવેલા ઉમા દર્શન આર્કેડમાં થોડા મહિના અગાઉ જ શરૂ થયેલા સ્પા સ્ટેશનમાં વિદેશી લલનાઓને બોલાવીને દેહ વ્યાપાર કરાવવામા આવતો હોવાની બાતમીને આધારે નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે દરોડા પાડ્યા હતા.
ડમી ગ્રાહક મોકલીને પોલીસે કરેલી તપાસમાં સ્પામાં થાઇલેન્ડથી ટૂરીસ્ટ વિઝા પર આવેલી બે યુવતીઓ મળી હતી. જ્યારે સ્પા માલિક અને વિજલપોરના શ્યામનગરમાં રહેતો હરેશ પ્રવિણ બ્રડકિયા, મેનેજર અને સ્પા સ્ટેશનમાં જ રહેતા સુરેશ લાલસિંગ રાઠોડ તથા સુરતના બારડોલીની ગાંધીનગર સોસાયટીમાં રહેતા અને વિદેશી યુવતીઓને લાવવામાં મદદરૂપ થનાર વિશાલ અશોક ટેલરને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ૭૨ હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે બંને થાઇલેન્ડની યુવતીઓને નારી સરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.