અમદાવાદ,તા.ર૯
ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના દોહિત્ર (નવાસા) હઝરત ઈમામ હુસૈન તથા તેમના ૭ર સાથીઓએ માનવતાના મૂલ્યો તથા શાશ્વત મૂલ્યોને બચાવવા તેમણે વહોરેલી શહાદતની યાદમાં યવ્મે આશુરા તથા તાજિયાના જુલૂસ ચાંદ કમિટીના નિર્ણય અનુસાર તા.૩૦-૯-ર૦૧૭ના રોજ શનિવારની રાત્રે કતલની રાત તથા તા.૧-૧૦-ર૦૧૭ રવિવારના રોજ યવ્મે આશુરા અને તાજિયાના જુલૂસ નીકળશે. એમ તાજિયા કમિટીના ચેરમેન રફીક નગરીએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ વર્ષે તાજિયાના જુલૂસની વ્યવસ્થા બાબતે તાજિયા કમિટીના હોદ્દેદારો મોહંમદ હુસૈન શેખ, હબીબ મેવ, જી.પી. ચા વાલા, ફારૂક શેખ, નવાબભાઈ, કલીમુલ્લા ઉસ્તાદ, જાવેદ શાકીવાલા તથા અન્ય સભ્યો કામગીરી સંભાળશે.
આ વર્ષના તાજિયાના જુલૂસમાં ૯૩ તાજિયા, ર૪ અખાડા, ૭૮ ઢોલ તાસા પાર્ટીઓ, ર૪ ટ્રક, ૭ ઊંટ ગાડી, ૧૪ નિશાન પાર્ટી, ૧૦ માતમી દસ્તાઓની પરવાનગી આપી છે. આ જુલૂસ પરંપરાગત રીતે વર્ષોથી નીકળતા રૂટની જ પરવાનગી આપવામાં આવી છે. એટલે કે મધ્યઝોનમાં આવેલ ભદ્ર પ્લાઝા વાળા માર્ગથી થઈ ભદ્ર કાળી મંદિર થઈ ટેલિગ્રાફ ઓફિસ પાસેથી જૂના એડવાન્સ સિનેમા થઈ વીજળી ઘર પાસે શહેરના બીજા જુલૂસોને મળશે. મન્નતના તાજિયાવાળા ભાઈઓ ૪ ફૂટથી નાના તાજિયા બનાવે તેમજ સવારે વહેલા નીકળી બપોરના ૧-૦૦ વાગ્યા પહેલાં તેમના તાજિયાની વિધિ સંપૂર્ણ કરે. તાજિયાના મુખ્ય જુલૂસમાં જોડાવવા માટે પ્રયત્ન ન કરે તેવી કમિટી તરફથી અપીલ કરાઈ છે. અમદાવાદ શહેરના જુદા જુદા તાજિયાઓ પોતપોતાના વિસ્તારમાંથી મુખ્ય રાજમાર્ગ ઉપર આવી ચાર ગ્રુપમાં વહેંચાઈ જાય છે અને એ ચાર ભવ્ય જુલૂસો વીજળી ઘર પાસે આવી એક મોટા જુલૂસના રૂપમાં ફેરવાઈ જાય છે. ત્યાંથી દીનબાઈ ટાવર થઈ ખાનપુર, દરવાજા નદી કિનારે જશે એકતા સમિતિ દ્વારા તાજિયાના જુલૂસનું સ્વાગત કરવામાં આવશે. તાજિયા કમિટીના અગ્રણીઓ-ઈમ્તિયાઝ શેખ, ગુલામહુસેન સનટોનવાલા, નાસીર કારપેટવાલા, જોહર વોરા, મોઈઝ મીઠાઈવાલા, જાકીર કુરેશી, હાસીમ શેખ, ઉસ્માનગની મીઠાઈવાલા, ઈકબાલ બેલીમ, નુરૂચાચા બિસ્કીટવાલા તથા બીલાલ લુહારએ શહેરના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે કોમી એકતા અને સદભાવનાના આ પ્રસંગને સહકાર આપી અમદાવાદની આન અને શાનને અનુરૂપ સફળ બનાવે તેમજ તાજિયાના પરમીટ હોલ્ડરોએ પોલીસને સાથ સહકાર આપી જુલૂસને સફળ બનાવવા એક યાદીમાં તાજિયા કમિટીના ચેરમેન રફીક નગરીએ જણાવ્યું છે.