અંકલેશ્વર, તા.ર૫
ઝઘડિયા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીની વિરૂધ્ધમાં ઝઘડિયા મુખ્ય રોડ પરથી રેલી યોજી મોંઘવારી ડામવામાં નિષ્ફળ ગયેલ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે બળદગાડુ લઈ આવી દેખાવો કર્યા હતા.
દેશભરમાં હાલમાં અત્યંત સંવેદનશીલ મુદ્દો મોંઘવારીનો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવી દેશભરમાં વર્તમાન સરકાર સામે મોરચો માંડ્યો છે. વિપક્ષ દ્વારા અવનવા નુસખાઓ દ્વારા વિરોધ નોંધાવી મોંઘવારી ડામવાની માગણી કરી રહ્યા છે. ઝઘડિયા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે હાલની કેન્દ્ર અને રાજ્ય સરકાર મોંઘવારી ડામવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસના ભાવ આસમાને આંબી ગયા છે. છેલ્લા એક વર્ષમાં રાંધણ ગેસના ભાવમાં પંદર ટકાનો વધારો થયો છે. આજે લોકો પાસે પોતાના વાહનોમાં પેટ્રોલ, ડીઝલ નાંખવાના નાણા નથી. સામાન્ય નાગરિક મોટરસાયકલ ખરીદી નહીં શકે ત્યારે બળદગાડાની સવારી કરવાની ફરજ પડશે. હાલમાં સત્તામાં બેઠેલા વિપક્ષમાં હતા અત્યારે નજીવા ભાવવધારાને લઈ શેરીએ શેરીએ કાગારોળ મચાવતા હતા. હાલમાં મોંઘવારી આસમાનને આંબી છે ત્યારે તેના પર લગામ લગાવવી જોઈએ તેવી માંગ કરી હતી. જો ટૂંક સમયમાં મોંઘવારી ડામવાના પગલાં ભરવામાં નહી આવે તો દેશભરમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.