ઉના, તા.રર
ઊના શહેરની સબજેલમાં ૧૭ કેદીની રાખવાની મર્યાદા હોય તેની સામે ૭૦ જેટલા ગંભીર ગુનાના આરોપીને સમાવાયા હોય જેના કારણે કેદીઓ વચ્ચે ગંભીર ઝગડાઓ અને મારામારી થતી હોવાની ઘટનાઓ બનતી રહે છે. અને સબ જેલમાં માત્ર એક-બે પોલીસ સુરક્ષા માટે રખાતા આ ગંભીર મારામારી વખતે સુરક્ષા કોણ કોની જાળવશે તેવા પ્રશ્નો ઉઠતા હોય અને તાજેતરમાં આ જેલ જર્જરીત બની ગયેલ હોવાથી બેરેક પણ બંધ રહેતી હોવાથી આવા ગંભીર ગુનાના આરોપીઓને લોબીની જાળીમાં રાખવામાં આવતા હોય જગ્યા ટુંકી પડતી હોવાથી ગંભીર અપરાધના માથાભારે આરોપી પોતાની મનમાની ચલાવી જેલમાં પણ ગુના આચરતા હોવાનો વિડીયો વાયરલ સોસીયલ મિડીયા પર થયેલ છે. એટલુજ નહી આરોપી વચ્ચે ઝઘડા થતા ઇજા પામતા આરોપીને સરકારી દવાખાને સારવાર અપાવી આજ જેલમાં ગમે ત્યારે મોટી ઘટના સર્જાય તેવા એધાંણ દેખાઇ રહ્યા છે. અને અતિ ગંભીર બાબતને જોઇ હાલમાં સબ જેલના ઇન્ચાર્જ જેલરે મામલતદારને ગંભીરતા પૂર્વક રીપોર્ટ કરી જેલની વાસ્તવિક સ્થિતીની ગંભીરતા લઇ માથાભારે તમામ પ્રકારના આરોપીને જીલ્લાકક્ષા અથવા અન્ય જેલમાં ખસેડવા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી સબ જેલમાં પોલીસ બળ વધારવા અને જેલના અનુભવી જેલરની નિમણુંક કરવા કાર્યવાહી કરવા રીપોર્ટમાં જણાવેલ છે.
ઊનાની સબજેલમાં માત્ર ચાર બેરેક હોય અને તે પણ વર્ષો જુની જર્જરીત બની ગયેલ છે. આ બેરેકમાં માત્ર ૧૭ કેદી રાખી શકવાની મર્યાદા છે. અને હાલમાં ૭૦ જેટલા ગંભીર ગુનાના આરોપીને રાખવામાં આવેલ છે. આ પૈકી ઘણા કેદી ખુન, લુંટ અને દુષ્કર્મના અપરાધી છે અને આ ઉપરાંત કોડીનાર સબજેલના કેદીઓને પણ ઊના સબજેલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે. જેનાથી કેદીઓમાં અંદરો અંદર માથાફુટ અને ગ્રુપીંગ પડી ગયેલ હોવાથી કેદીઓ દ્વારા જેલનું વાતાવરણ ખરાબ કરે છે અને જેલમાં સુરક્ષા બાબતનો પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ અંતર્ગત બાબતોની ગંભીરતા લઇ માથાભારે ભારે ગુના ધરાવતા કેદીઓને તાત્કાલીક જીલ્લા જેલ ખાતે ખસેડવાની કાર્યવાહી કરવા રીપોર્ટમાં સબજેલરે જણાવેલ છે. સબજેલરે તા. ૨૧ જુલાઇના કેદીઓ વચ્ચે અંદરો અંદર જગડા થયા અંગની પણ જાણ કરતા પોલીસ દોડી ગયેલ હતી. અને ઇજા પામનાર કેદીને પણ સરકારી દવાખાને ખસેડાયેલ હતા..
હાલમાં સબજેલમાં જેલર તરીકે આવેલ કારકુન કક્ષાના કર્મચારીની નિમણુંક કરવાની જોગવાઇ હોવા છતાં મહેસુલ તલાટીને જેલરનો ચાર્જ સોપવામાં આવેલ છે. તે સબજેલની કાર્યરીતીથી માહીતગાર થયેલ નથી. અને કોઇ પણ તાલીમ પણ લીધેલ ન હોવાના કારણે કાયદાકીય જોગવાઇ જેલના નિતી નિયમો અંગેના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોવાથી હાલના સબ જેલર માટે કેદીઓ વચ્ચેના ઝઘડાઓ જેલર માટે પણ પોતાની નોકરી પર પણ અસર થાય તેવી સંભાવના ઉઠી રહી છે. તેવો ધગધગતો રીપોર્ટ મામલતદારને સબ જેલરએ કરતા જેલમાં કેદી પ્રશ્નો અનેક સવાલોના ઘેરામાં હાલ ઊના સબજેલ મુકાતા ભારે ચકચાર ફેલાયેલ છે…
સબજેલરે ત્રણ વખત ચાર્જ મુકવા તંત્રને જાણ કરી…
ઊના સબજેલરના હાલમાં રહેલા રેવન્યુ કર્મચારીએ પોતાના રીપોર્ટમાં જણાવેલ કે જેલમાં કેદીઓની મર્યાદા કરતા પાંચ ઘણા કેદીઓ મુકવામાં આવેલ હોય વારંવાર જેલનુ વાતાવરણ ખરાબ થતું હોવાથી પોતાને આ બાબતે કાયદાકીય જોગવાઇ અજાણતા ધરાવતા પોતાની પાસેથી ચાર્જ છોડાવવા ત્રણ વખત તંત્રને જાણ કરવા છતાં તંત્ર ગંભીરતા પ્રત્યે બેદરકાર રહી છે..
સબજેલરમાં સુરક્ષા માટે માત્ર એક થી બે પોલીસ…
૧૭ કેદીઓની સંખ્યાની જેલમાં ચાર બેરેક છે તે પણ બંધ હાલતમાં છે અને હાલ ૭૦ કેદીઓ રાખવામાં આવતા તમામ કેદી બહારની જાળીની લોબીમાં રહેતા હોય અને ગીચતાના કારણે કેદીઓ વચ્ચે અવાર નવાર જગડી થતા રહે છે..
તમામ કેદીઓ સુવિધા ઉપલબ્ધ મળતી હોવાથી સબજેલમાં રહે છે…
ઊના સબ જેલમાં આરોપીની સંખ્યામાં દિનપ્રતિદીન વધતી જાય છે. સામે આરોપીઓને તમામ પ્રકારની સુવિધાઓમાં બહારથી મળતી હોય જેવી કે સેલફોનથી બહારથી ચિજવસ્તુઓ મંગાવી બહારથી ટીફીનની સુવિધા સહીત અનેક પ્રકારની સુવિધાને લીધે આરોપીઓ વચ્ચે ઝગડા થતા હોવાની ચર્ચા ઉઠવા પામેલ છે. અને જે સબજેલનો વીડીયો વાયરલ થયો છે. તેમાં આરોપીઓ ઝગડતા ઝગડતા નશામાં હોવાનો ઉલ્લેખ કરી રહ્યા છે.