(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
સુપ્રીમ કોર્ટે સંમતિ દર્શાવી છે કે એ નાગરિકોના અધિકારો માટે ચળવળ ચલાવનાર તિસ્તા સેતલવાડની અરજીને ધ્યાનમાં લેશે. જેમાં એમણે ઝકિયા જાફરી દ્વારા ‘સીટ’ સામે કરાયેલ અરજીમાં સહઅરજદાર તરીકે જોડવા માગણી કરી છે. ગયા અઠવાડિયે કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની વિધવા ઝકિયા જાફરીએ ગુજરાતના ‘સીટ’ને આદેશને પડકાર્યો હતો. જેમાં ‘સીટે’ ર૦૦રના ગુજરાત રમખાણ કેસોમાં જે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી. સોમવારે ‘સીટે’ તિસ્તાની અરજીનો વિરોધ કર્યો હતો જેમાં એમણે ઝકિયા સાથે સહઅરજદાર તરીકે જોડાવા માગણી કરી હતી પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે તિસ્તાની અરજીને ધ્યાનમાં લઈશું. સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી ર૬મી નવેમ્બરે રાખી છે. ૧૩મી નવેમ્બરે ઝકિયાએ ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ અરજી દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે ‘સીટ’ દ્વારા મોદીને અપાયેલ ક્લિનચીટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. સેતલવાડ છેલ્લાં ૧૬ વર્ષથી ગુજરાત રમખાણ પીડિતોને ન્યાય અપાવવા પ્રયાસો કરી રહી છે. ર૦૦રના રમખાણો દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટી ઉપર તોફાનીઓએ હુમલો કર્યો હતો. જેમાં સાંસદ અહેસાન જાફરી સમેત ૬૦ વ્યક્તિઓનાં મોત થયા હતા. આ ઘટના ર૮મી ફેબ્રુઆરી ર૦૦રના રોજ બની હતી. સુપ્રીમ કોર્ટના જજ એ.એમ. ખાનવિલકરની બેંચે કહ્યું હતું કે એ અરજીની સુનાવણી ૧૯મી નવેમ્બરે કરશે. જાફરીએ ગુજરાત હાઈકોર્ટના પમી ઓક્ટોબર ર૦૧૭ના આદેશને પડકાર્યો હતો. હાઈકોર્ટે મેજિસ્ટ્રેટના આદેશને માન્ય રાખ્યો હતો જેમાં મેજિસ્ટ્રેટે જાફરીની સીટ દ્વારા દાખલ થયેલ રિપોર્ટને પડકાર્યો હતો. સીટે મોદી સમેત અન્ય અધિકારીઓને ક્લિનચીટ આપી હતી. ‘સીટ’ની રચના પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જ કરાઈ હતી. જેમણે પોતાની તપાસ પછી રિપોર્ટ આપ્યો હતો કે મોદી અને અન્ય અધિકારીઓ સામે કોઈ ગુનો બનતો નથી. જાફરીએ સુપ્રીમ કોર્ટમાં કરેલ અરજીમાં જણાવ્યું છે કે, મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ પૂરતા દસ્તાવેજો અને પુરાવાઓ રજૂ કરાયા હતા છતાં એમણે ધ્યાનમાં લીધા ન હતા. જેથી પુરાવાઓને ધ્યાનમાં લઈ મોદી સાથે અન્ય અધિકારીઓ સામે ટ્રાયલ ચલાવવા આદેશ આપવામાં આવે.