(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.ર૩
સુરેન્દ્રનગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામોમાં જ્યાં-જ્યાં નજર પડે ત્યાં-ત્યાં પાણી પાણીનો નજારો છવાયેલો છે. આ વિકટ પરિસ્થિતિમાં મૂળીના ગામે બે બાઈક સવારો તણાયા હતા. જેમાં એક હજુ પણ લાપતા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના તળાવોની ક્ષમતા કરતા વધારે પાણીની આવક થતા તળાવોની સ્થિતિ પણ ડામાડોળ બનવા પામેલ હતી. સુરેન્દ્રનગર જિલ્લા ર૧ તાલુકાઓમાં તળાવો તુટવાના બનાવ બનવાના કારણે ર૧ જેટલા ગામો વિખુટા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોલડી, સરવાળ, મૂળીના પાંડવરા, ચુંડાના સમઢીયાળા, કોરડા, સરોડી, લીંબડીના ભથાણ, પરનાળા સહિતના ગામોના તળાવો ફાટ્યા હતા. ચોટીલામાં દેવસર, મહીદડ, ધરમપુર, મોકાસર, ચિરોડ(મ), ઝિંઝુડા, લાખાચોકીયા, રેશ્મીયા, કુઠંડા અને દુધેલીના તળાવો તુટ્યા છે. જેના કારણે ગામોમાં પાણી ભરાતા વિખુટા પડ્યા હોવાનું કલાકથી વીજપુરવઠો ખોરવાયેલો રહ્યો હોવાનું પણ જાણવા મળેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે નુકસાનનો તાગ મેળવવો પણ હાલમાં તંત્ર માટે પડકાર સમાન બન્યો છે. નાળા પૂલ પણ વરસાદમાં ધોવાઈ ગયા છે. કંપા પૂલ હતો કે નાળું તે પણ શોધવું મુશ્કેલ બન્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળીના લીયાગામના જિજ્ઞેશભાઈ મહેશભાઈ પ્રજાપતિ અને પાર્થ નર્મદાગીરી ગોસાઈ બંને યુવકો બાઈક લઈને નદીમાં આવેલા નવાનીર નિહાળવા માટે ગયા હતા ત્યારે લીયા ગામની નદીમાં ધસમસતા પાણીમાં એકાએક બાઈક ઉપરનો કાબૂ ગુમાવતા બાઈક તણાતા બંને યુવાનો પણ બાઈક સાથે તણાયા હતા. ત્યારે તંત્રને જાણકારી મળતા તંત્રે જિજ્ઞેશભાઈ મહેશ પ્રજાપતિને પાણીના વહેણમાં શોધી બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે નર્મદાગીરી ગોસાઈ હાલમાં પાણીમાં લાપતા બન્યો છે. જેની ભાળ મળેલ નથી.
ઉપરાંત સુરેન્દ્રનગર શહેરના વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે ભોગાવો નદી બેકાંઠે વહેવા લાગી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરનું વહીવટી તંત્ર ચારેકોર ફાંફાં મારતુ હતું ત્યારે શહેરના ટાવર પાસે આવેલા મોરબીના પૂલ નીચે વસવાટ કરી રહેલા મિંયાણા-મુસ્લિમ સમાજના ઘરો સુધી પાણી પલવારમાં પહોંચી ગયું હતું તેઓના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં ઘરવખરી અને સરસામાન પણ પાણીમાં પલકારામાં વહી ગયો હતો. હાલ પણ ડૂબમાં રહેલા મકાનો અને નુકસાની અંદાજ આંકવો ભારે મુશ્કેલ બન્યો છે. ત્યારે વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું હોવાનું આ વિસ્તારના લોકો કહી રહ્યા છે.