(એજન્સી) તા.૧૧
કર્ણાટકમાં ફૂડ એન્ડ સિવિલ સપ્લાય મંત્રી ઝમીર અહેમદે શનિવારે કર્ણાટકના નાગરિકોની માફી માગી હતી. તેમણે આ માફી ૬ જૂનના રોજ આયોજિત મંત્રીપદના શપથ સમારોહ દરમિયાન અંગ્રેજી ભાષામાં શપથ લેવા બદલ માગી છે. તેમણે આ ટિપ્પણી સિદ્ધાગંગા શીર શિવકુમાર સ્વામીજી સાથેની ભેટ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કરી હતી. તેમણે કહ્યું હતું કે કર્ણાટકના નાગરિકોથી માફી માગું છું અને હું ખૂબ જ દિલીગીર છું. મારા માતા-પિતાએ મને અંગ્રેજી માધ્યમથી શાળામાં ભણાવ્યો હતો અને એના કારણે જ મને સારી રીતે કન્નડ ભાષા બોલતા આવતી નથી અને હું જ્યારે શપથ ગ્રહણમાં શપથ લઇ રહ્યો હતો ત્યારે હું ઇચ્છતો હતો કે કોઇપણ પ્રકારની ભૂલ ના કરું. એટલા માટે જ મેં અંગ્રેજી ભાષામાં શપથ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એચ.ડી.દેવગૌડા ઝમીર અહેમદને કુમારસ્વામીની કેબિનેટમાં સામેલ કરવાનું જરુરી સમજતા ન હતા તે મામલે ઝમીરે કહ્યું હતું કે એચ.ડી દેવગૌડા તરફથી જે પણ ભલામણો કરવામાં આવી હતી તેમાં કંઇ જ ખોટું નથી. જેડીએસના સુપ્રીમો અને મુખ્યમંત્રી કુમારસ્વામીએ આ મામલે કોઇ મધ્યસ્થતા પણ કરી ન હતી અને તેમણે મંત્રીપદ કે પછી ટિકિટ આપવા મામલે પણ કોઇ દખલ કરી ન હતી. અમે ગઠબંધનની સરકાર દ્વારા સત્તામાં આવ્યા છીએ. હું હવે મંત્રી પદ સંભાળવા જઇ રહ્યો છું. મને હજુ પણ આ જવાબદારી સંભાળવામાં અને સમજવામાં થોડા દિવસ લાગશે. હું મારા ક્ષેત્ર અને મારા વિભાગમાં સારો એવો વિકાસ કરવાનો પ્રયાસ કરીશ અને કર્ણાટકના નાગરિકોના વિકાસને ધ્યાનમાં રાખીને જ આગળ કાર્યવાહી કરીશ.