અમદાવાદ, તા.૧૧
રાજ્યમાં સામાન્ય રીતે વરસાદમાં ફરી એકવાર બ્રેકની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં શનિવારે મહત્તમ તાપમાન ૩૪.૬ અને લઘુત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દીવ-દમણ, દાદરાનગર હવેલીમાં તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ આગામી દિવસોમાં થઈ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રો મુજબ શુક્રવારના દિવસે શહેરના કેટલાક ભાગોમાં હળવા ઝાપટાં બાદ હજુ પણ વધુ વરસાદની આશા દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા કચ્છમાં પણ કેટલીક જગ્યાઓએ હળવો વરસાદ થઈ રહ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદ માટેની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાત પ્રદેશ ઉપર અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. હળવાથી મધ્ય વરસાદી ઝાપટા ગુજરાત ક્ષેત્રમાં જારી રહી શકે છે. ગુજરાતના ઘણા ભાગોમાં હજુ પણ ખુબ ઓછો વરસાદ થયો છે. હાલની સ્થિતિએ રાજ્યમાં ૧૯ ટકા ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે. ૪૪૧ મીમી વરસાદની સામે ૩૩૬મીમી વરસાદ ગુજરાતમાં પડ્યો છે.હવામાન વિભાગ તરફથી જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણનો સમાવેશ થાય છે. કચ્છમાં ૭૮ ટકા ઓછો વરસાદ જ્યારે ગાંધીનગરમાં ૭૦ ટકા ઓછો વરસાદ, સુરેન્દ્રનગરમાં ૬૬ ટકા ઓછો વરસાદ અને અમદાવાદમાં ૬૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ૩૬૯મીમીની સામે હજુ સુધી ૧૪૧મીમી વરસાદ થયો છે એટલે કે પાંચ ઇંચથી આસપાસ વરસાદ નોંધાયો છે. ૬૨ ટકા ઓછો વરસાદ થયો છે.