(એજન્સી) કરાંચી, તા. ૧૮
અબજો રૂપિયાના નાણાંકીય ગોટાળાના એક કેસમાં પાકિસ્તાનની એક બેન્કિંગ અદાલતે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફઅલી ઝરદારી સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ બહાર પાડ્યું છે. ડોન અખબારના અહેવાલ મુજબ અદાલતે આ કેસમાં પૂર્વ રાષ્ટ્રપતિ ઝરદારી અને કેટલાક શકમંદોને ૪ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. પીપીપી પ્રવકતા ફરહતુલ્લા બાબતે ઝરદારીના વકીલ ફારૂક નાઈકના હવાલેથી બતાવ્યું કે તેના નેતા સામે કોઈ વોરંટ બહાર પડાયું નથી. ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સી બનાવટી ખાતા દ્વારા ધનની હેરાફેરીના કેસમાં ઝરદારી અને તેમના બહેન ફરયાલ તાલપુર સહિત ૩ર લોકો સામે તપાસ કરી રહી છે. ઝરદારીના ખાસ માણસ હુસેન લવાઈની ગયા મહિને આ કેસમાં ધરપકડ કરાઈ હતી. કેસ બેન્કમાં શંકાસ્પદ લેણદેણનો છે. જેમાં ર૯ બેનામી ખાતાની ઓળખ કરાઈ હતી. ૧૬ ખાતા સમીટ બેન્કમાં છે. બનાવટી ખાતામાં કુલ ૩પ અબજ રૂપિયાની સંદિગ્ધ લોકો દ્વારા હેરાફેરી કરાઈ હતી. મોટી રકમની લાંચના રૂપિયાની લેવડ-દેવડ માટે નકલી ખાતાં ખોલાયા હતા. જેમાં ૮ ખાતા સિંધ બેન્કમાં હતા. પાંચ ખાતા યુનાઈટેડ બેન્કમાં ખોલાયા હતા. પાકિસ્તાન સ્ટોક એક્ષ્ચેન્જના પૂર્વ પ્રમુખ વિશ્વસ્ત હુસેન લવાઈ, ઓમ્ની ગ્રુપની કંપનીના ચેરમેન ખ્વાઝા અનવર મજીદભાઈ, ધાની મજીદ, સહઆરોપી સમીટ બેન્કના પ્રમુખ તાહા રાજાની પહેલેથી જ ધરપકડ કરાઈ છે.