(એજન્સી) નવી દિલ્હી, તા.૭
બે દિવસ પહેલાં જ સુપ્રીમકોર્ટમાં કપિલ સિબ્બલે કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે અયોધ્યા કેસની સુનાવણી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ પછી કરવામાં આવે જેના લીધે વિવાદો ઊભા થયા હતા. કપિલ સિબ્બલે કહ્યું કે હું સુન્ની વકફ બોર્ડ તરફથી રજૂઆતો નથી કરતો પણ અન્ય અપીલોમાં રજૂઆતો કરી રહ્યો હતો. પત્રકાર પરિષદમાં સિબ્બલે કહ્યું સુપ્રીમકોર્ટમાં સુનાવણી શરૂ થયા પહેલાં જ સીજેઆઈ હંમેશ વકીલોને પૂછે છે કે તમે કોની તરફે છો અને મેં એ મુજબ જવાબ આપ્યો હતો. સીજેઆઈએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે હું અરજદારની સિવિલ અપીલ નંબર ર૮૯૪/ર૦૧૧ અને ૭રર૬/ર૦૧૧ સંદર્ભે હાજર છું અને મેં પહેલાંના આદેશની વિરૂદ્ધ સ્ટેટ રિપોર્ટ દાખલ કર્યો હતો. સીજેઆઈએ આ પ્રમાણે પોતાના આદેશમાં લખ્યું હતું કે હું અન્ય બે અપીલો માટે રજૂઆતો કરી રહ્યો હતો અને અન્ય કોઈની તરફે નહીં. હું મોહમ્મદ હાશ્મીના પુત્ર ઈકબાલ હાશ્મી દ્વારા દાખલ થયેલ અપીલની રજૂઆતો કરી રહ્યો હતો જે સીજેઆઈના આદેશમાં લખેલ છે. શું વડાપ્રધાન વિચારે છે કે, સીજેઆઈનો આદેશ ખોટો છે ? મોદીએ ગુજરાતની ચૂંટણી સભાઓમાં કહ્યું કે કોંગ્રેસના સાંસદ બાબરી મસ્જિદ કેસમાં દલીલો કરી રહ્યા છે. એ ભલે કરે પણ એમનો આ કેસની સુનાવણીને ર૦૧૯ની ચૂંટણીઓ સુધી મુલતવી રાખવા કેમ કહ્યું ? કોંગ્રેસ રામમંદિરને ચૂંટણીઓ સાથે જોડી રહી છે શું એ યોગ્ય છે. મોદીએ આ પ્રશ્ન લોકોને પૂછયો હતો. આ પહેલાં મોદીની ટિપ્પણીઓનો જવાબ આપતા સિબ્બલે કહ્યું કે વડાપ્રધાને બીજા મુદ્દાઓ બાબતે ધ્યાન આપવું જોઈએ. એ બાબતે નહીં કે કયા વકીલ કયા પક્ષકાર તરફે ઊભો છે. કપિલ સિબ્બલે મોદને સલાહ આપી કે હકીકતોનો અભ્યાસ કરી પછી લોકો સમક્ષ રજૂ કરો. મોદી અને શાહ બન્ને એવું સમજે છે કે હું સુન્ની વકફ બોર્ડ તરફે કોર્ટમાં હતો પણ હું સુન્ની વકફ બોર્ડ તરફે કયારે પણ હાજર રહ્યો નથી.