(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૦
સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ ખુશી અને વિરોધના સૂર જોવા મળે છે. પ્રિયંકા ચોપડા અને ઝાયરા વસીમની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પીંક’’ના ડાયરેકટર સોનાલી બોસે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો છે. સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી ઝાયરા વસીમ સાથે એક તસવીર પોસ્ટ કરી છે. લખ્યું છે કે, ભારતીય લોકતંત્ર પર કાળા વાદળો છવાઈ જતાં મારું દિલ ભરાઈ ગયું છે. જમ્મુ-કાશ્મીર પ્રત્યે ચિંતા વ્યક્ત કરી લખ્યું કે, સંચારબંધીને બે સપ્તાહ થયા. માનવ અધિકાર મૂલ્યોના ઉલ્લંઘનથી મારું દિલ દુઃખી છે. માસૂમ લોકોને મારવાની વાત નવી નથી. પરંતુ આ વખતે સરકારે હદ પાર કરી છે. ગુજરાતી, તમિલ, મરાઠીને પૂછું છું કે એક રાતમાં તમારા રાજ્યના ટુકડા થાય તો તમને કેવું લાગે ? ૩૭૦ને બાજુએ રાખી તેનો સાચો જવાબ આપો. મારો ગુસ્સો દુઃખમાં બદલાઈ ગયો છે.