(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
શહેરના અમરોલી કોસાડ આવાસમાં રહેતા કોરી પરિવાર ગતરોજ રાત્રે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ પૈકી પતિનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જ્યારે તેણીની પત્ની અને પાંચ પર્ષની માસૂમ પુત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બનાવને પગલે અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરોલી કોસાડ આવાસમાં એ/૧૮/૩૦૧માં રહેતો ૩૦ વર્ષીય નરેન્દ્ર શિવપ્રસાદ કોપી તેની પત્ની પ્રિયંકા (ઉ. વ. ૨૭) અને પાંચ વર્ષની મસુમ પુત્રી મૈત્રી સાથે રહેતો હતો. ગતરોજ મોડી રાત્રે ત્રણેય જમી પરિવાર સુઇ ગયા હતા. જો કે, સવારે ચાર વાગ્યાના આસરામાં ત્રણેયને ઉલ્ટીઓ થતા તેના એક સંબંધી તેને સારવાર માટે ઓટો રિક્ષામાં સ્મીમેર હોસ્પિટલ લાવ્યા હતા. હોસ્પિટલમાં જ્યારે તમામને લાવવમાં આવ્યા ત્યારે નરેન્દ્રભાઇ બેભાન હાલતમાં હતા. જ્યારે તેની પત્ની પ્રિયંકા અને પુત્રી મૈત્રી અર્ધ બેભાન હાલતમાં હતા. જેથી ઈમરજન્સી વિભાગમાં ત્રણેયને સારવાર માટે લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નરેન્દ્રભાઇને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પ્રિયંકાબેનને ઇમરજન્સી વિભાગમાં સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત તેની પાંચ વર્ષની માસૂમ પુત્રી મૈત્રીની હાલત પણ ગંભીર હોવાથી તેણીને પીડિયાટ્રિક આઇસીયુમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યાં બંને બેભાન હાલતમાં હોવાથી હાલમાં બંનેને વેન્ટિલેટર પર છે. તબીબે પ્રિયંકાબેનને પૂછતા પહેલાં તો તેઓએ રાત્રે જમીને સુઇ ગયા હોવાનું જ ગાણું ગયું હતું. જો કે, બાદમાં નરેન્દ્રભાઇના મોઢામાંથી સફેદ ફીણ નીકળતા તબીબે ફરીથી પ્રિયંકાબેનની પૂછતાછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે, રાત્રે તેઓએ જમવાનું બનાવતી વેળાએ જ અનાજમાં નાંખવાની ગોળીઓ અંદર નાંખી દીધી હતી અને બાદમાં તમામે ભેગા થઇ જમી ત્રણેય સાથે જ સુઇ ગયા હોવાનું જાણવા મળે છે.