માંગરોળ,તા.૧૯
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં એક સાથે ફરજ બજાવતા એક એ.એસ.આઈ. સાજીદ નાગોરી અને કોન્સ્ટેબલ જયદીપ પરમારે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ભારે ચર્ચાઓ ફેલાઈ છે. જો કે બંનેએ અલગ અલગ પોતાના ઘરે જ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. આપઘાત કરનારા કોન્સ્ટેબલનું નામ જયદીપ પરમાર માંગરોળના ઢેલાણા ગામના વતની છે. તેમજ એએસઆઈનું નામ સાદીક નાગોરી જૂનાગઢમાં રહે છે.
જાણવા મળતી માહિતી મુજબ આ બંને પોલીસ કર્મીઓ એકબીજાના ગાઢ મિત્રો પણ હતા બંને પરિવાર રીતે ખૂબજ ખુશ અને સુખી પણ હતા. તેમ છતાં એક સાથે ફરજ બજાવતા બંને ગાઢ મિત્રો એક જ દીવસે આપઘાતનું પગલું ભરતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. બંને રાત્રે ઘરે પરત ફરતી વખતે જ ઝેર પી લીધું હોય તેવું અનુમાન થઈ રહ્યું છે. કેમકે સવારે પરીવારજનો ઉઠાવવા જતાં બંને એ ઝેર પી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. મરીન પોલીસ મથકના આ બંને પોલીસ કર્મચારીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ મોતનું સાચું કારણ જાણવા તપાસ કરી રહી છે. માંગરોળ મરીન પોલીસ કોન્સ્ટેબલ જયદીપ વીરાભાઈ પરમારને આજરોજ તેમના ગામ ઢેલાણાંમાં સાંજની સંધ્યાએ શોક સલામી આપવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી જે.બી. ગઢવી, પી.એસ.આઈ. રાઠોડ, પીએસઆઇ વિન્ઝુડા, પીએસઆઇ વાઘ, તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. જ્યારે એસ.આઈ. સાજીદ નાગોરીની દફન વિધિ રાત્રે જૂનાગઢ ખાતે કરવામાં આવશે.