(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
શહેરના એ.કે.રોડ ખાતે રહેતા નિવૃત્ત હીરા દલાલે કરોડો રૂપિયાનો દેવુ થઈ જતા ટેન્શનમાં આવીને કતારગામ પોલીસ મથકની હદમાં આવેલ ઓવારા પાસે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા સ્થળ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના એ.કે.રોડ ખાતે આવેલ શ્રીનાથ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ ભીમજીભાઈ કાનાણી (ઉ.વ.૫૪)નાઓએ ગઈ કાલે સાંજે ફુલપાડા ખાતે ઓવારા પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને પછી પુત્ર રવિને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. જેથી પુત્ર ઘબરાઈને ત્યાં પહોચ્યો અને પિતાને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં સારવાર દરમિયાન રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. વધુમાં તેમના પિતરાઈ ભાઈ હિમ્મતભાઈ કાનાણી સહિત પરિવાજનોએ જણાવ્યું હતું કે, તેમના માથે કરોડો રૂપિયાનો દેવુ થઈ ગયું હતુંં જેના કારણે તેઓ માનસિક તાણમાં આવી ગયા હોવાનું માલુમ પડ્યું છે. રમેશભાઇ હીરાની દલાલી સાથે સંકળાયેલા હતા પણ હાલ નિવૃત્ત હતા. સંતાનમાં તેમને એક પુત્રઅને એક પુત્રી છે તથા તે મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની હતા. બનાવ અંગે કતારગામ પોલીસ વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.