જામનગર, તા.ર૦
જામનગરના પંચેશ્વર ટાવર પાસે ગઈકાલે રાત્રે ચા પીવા આવેલા કેટલાક કોળી યુવાનો પૈકીના એક યુવાનને ભોઈ સમાજના આઠેક શખ્સોએ ઘેરી છરી બતાવી ધમકી આપ્યાની રાવ કરવા માટે પોલીસ સ્ટેશન ગયેલા યુવાનની ફરિયાદ લેવામાં ન આવતા અને ભોગ બનનારના કહેવા મુજબ મારકૂટ કરાતા મોડીરાત્રે એસપી કચેરીએ રજૂઆત કરવા ટોળું દોડયું હતું જ્યાં આ યુવાનના પત્નીએ પોલીસ ફરિયાદ લેતી ન હોવાની રાવ સાથે કોઈ ઝેરી પ્રવાહી પી લેતા દોડધામ મચી છે.
ધુંવાવ નાકા નજીકના કોળીવાડમાં રહેતા મહેશભાઈ કાનજીભાઈ વઘોરા (ઉ.વ.૩ર) પોતાના ઘેર યોજાયેલા પ્રસંગમાં બહારગામથી ઉપસ્થિત રહેલા મહેમાનો સાથે રાત્રે નવેક વાગ્યે પંચેશ્વર ટાવર પાસે આવેલી એક હોટલે ચા પીવા ગયા હતા. આ વેળાએ ત્યાં ધસી આવેલા કેટલાક શખ્સોએ મહેશભાઈ સાથે બોલાચાલી કર્યા પછી તેઓના જણાવ્યા મુજબ છરી બતાવી હતી આથી દેકારો થયો હતો. નજીકમાં જ આવેલી ટ્રાફિક શાખાની કચેરીમાં તે વખતે હાજર સ્ટાફ દોડયો હતો જેના પગલે છરી સાથે આવેલા શખ્સો વેર-વિખેર થઈ ગયા હતા ત્યાર પછી આ મામલાની ફરિયાદ નોંધાવવા માટે મહેશભાઈ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં તેઓને થોડીવાર બહાર બેસાડવામાં આવ્યા પછી મહેશભાઈને પોલીસે મારકૂટ કર્યાનું કહેવાય છે આથી જામનગર કોળી સેનાના હોદ્દેદારો દોડયા હતા. તેઓએ આ બાબતની જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા માટે નક્કી કરતા કેટલાક આગેવાનો સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકની એસપી કચેરીએ પહોંચ્યા હતા જ્યાં એસપી સેજુળ હાજર ન હોવાનું અને એસપીનો ચાર્જ ગ્રામ્ય ડીવાયએસપી એચ.પી. દોશી પાસે હોવાનું જણાવાતા આગેવાનોએ આ અધિકારીને મળી રજૂઆત માટે આગ્રહ રાખ્યો હતો.
ઉપરોક્ત બનાવની જાણ થતા કોળી સમાજના કેટલાક લોકો સિટી-બી ડિવિઝનમાં દોડી આવ્યા હતા. આ વેળાએ પોલીસ ગુનો નોંધતી ન હોવાની ચર્ચા જાગતા મહેશભાઈ વઘોરાના પત્ની પૂનમબેને સિટી-બી ડિવિઝનના પટાંગણમાં જ પોતાની પાસે રહેલી ફિનાઈલ જેવા કોઈ પ્રવાહીવાળી શીશી મોઢે માંડી લેતા દોડધામ મચી હતી, કોઈએ ૧૦૮ને જાણ કરતા દોડી આવેલી એમ્બ્યુલન્સે પૂનમબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા.