(એજન્સી) મુંબઇ, તા. ૨૬
ભાજપ સાથેના સંબંધોમાં ખેંચતાણ વચ્ચે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના અયોધ્યા અને કાશી જવાના એલાન પછી મહારાષ્ટ્રમાં રાજનીતિમાં ગરમાટો આવી ગયો છે. શિવસેનાએ મુંબઇના ઘણા વિસ્તારોમાં ‘ચાલો અયોધ્યા, ચાલો કાશી’ના પોસ્ટર્સ લગાવ્યા છે. ભાજપ પર દબાણ વધારવા માટે ઉદ્ધવે અયોધ્યા અને કાશીની યાત્રાની જાહેરાત કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઠાકરેનો એવો પ્રયાસ છે કે લોકસભાની ચૂંટણીઓ પહેલા હિન્દુત્વનું કાર્ડ રમીને ભાજપને તેના જ શસ્ત્રથી માત આપવામાં આવે. પોસ્ટર્સમાં વારાણસી અને અયોધ્યાના લોકોને ઉદ્ધવ ઠાકરેનો સાથ આપવાનીે અપીલ કરવામાં આવી છે. જોકે, શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે આ એક નાનકડો કાર્યક્રમ છે. ઉદ્ધવ ઠાકરે ભાજપને મહત્વનામોરચે ઘેરવા જઇ રહ્યા છે. શિવસેનાનો પ્લાન લોકસભાની ચૂંંટણીઓ પહેલા ભાજપની મુશ્કેલીઓ વધારી શકે છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે શિક્ષણ અને નોકરીઓમાં અનામત અંગેના આંદોલન દરમિયાન સર્જાયેલી હિંસાને ધ્યાનમાં રાખીને શિવસેનાએ જણાવ્યું કે મુદ્દાઓ દબાવવાના સરકારના સ્વભાવને કારણે રાજ્યે કીમત ચુકવી છે અને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી છે.
રામ મંદિરના મુદ્દા અંગે ભાજપને ઘેરતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે ભાજપ આ મુદ્દાનો ચૂંટણી માટે ફરી એક વાર ઉપયોગ કરવા માગે છે. તેમણે એવું પણ કહ્યું કે થોડાક દિવસ પહેલા ભાજપ તરફથી કહેવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓ પહેલા રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ જશે. ઠાકરેએ જણાવ્યું કે ભાજપના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે ચૂંટણીઓમાં ફરી આ મુદ્દાનો ઉપયોગ કરવા માગે છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે તેઓ વારાણસી જશે અને ગંગા આરતીમાં ભાગ લેશે અને ત્યાં જોશે કે ગંગામાં કેટલી સફાઇ થઇ છે. તેઓ અયોધ્યા પણ જશે અને રામ લલાના દર્શન કરશે. મંદિરમાં પ્રાર્થના કરશે અને અયોધ્યામાં એક જાહેર સભા સંબોધશે. આ સિવાય તેમનો બીજો કોઇ કાર્યક્રમ નથી. શિવસેના કહે છે કે ખુરશી મળી ગયા બાદ ભાજપ રામને ભૂલી ગયો છે.