(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૪
પોરબંદરના હનુમાનગઢ ગામમાં ઝૂપડામાં કોઇ કારણોસર આગ લાગતાં પરપ્રાંતિય મજૂરનાં ત્રણ સંતાનો બળીને ભડથું થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. માતા-પિતા કામ માટે બહાર ગયા હોય ઝૂપડામાં ત્રણ બાળકો જ હતા. ઝૂપડામાં અચાનક આગ લાગતાં બાળકો ડરી ગયા હોય બહાર નીકળી શક્યા નહોતા અને ઝૂપડું આખું લાકડાનું હોય આગ ઝડપથી વકરી હતી અને આગે આખા ઝૂપડાને ખાખ કરી નાંખ્યું હતું. ઘટનાની જાણ થતાં ગ્રામજનો મદદ માટે આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં અંદર રહેલા ત્રણ બાળકો ભડથું થઇ ગયા હતા.
ગ્રામજનોએ આગ પર પાણીથી મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગ ઓલવાય ત્યાં સુધીમાં બાળકોનાં મોત નીપજી ચૂક્યા હતા. ગ્રામજનોએ ૧૦૮ મારફત તુરંત ત્રણેય બાળકોને પોરબંદર હોસ્પિટલે ખસેડ્યા હતા. પરંતુ બાળકોએ પહેલેથી જ દમ તોડી દેતા પીએમની કાર્યવાહી હાથ ધરાઇ છે. મજૂરની તમામ ઘરવખરી પણ બળીને ખાખ થતાં ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી, પોલીસ આ મુદ્દે લોકોની પૂછપરછ હાથ ધરી તપાસ કરી રહી છે.