(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર૦
શહેરના માંજલપુર સ્મશાન પાસે આવેલ ખેતરના એક ઝૂંપડામાં રવિવારે મોડી રાત્રે અચાનક લાગેલ આગમાં પાંચ બકરા જીવતા ભૂંજાઈ ગયા હતા. જ્યારે શ્રમજીવી પરિવારના સભ્યોનો બચાવ થયો હતો. પ્રાપ્ત થતી વિગત અનુસાર માંજલપુર સ્મશાન પાસે કિરીટભાઈ ગોહિલનું ખેતર આવેલું છે. જેમાં ઝૂંપડુ બાંધી ખેતરમાં મજૂરીકામ કરતા ગલાભાઈ મગનભાઈનો પરિવાર રહે છે. ખેતરના ઝૂંપડામાં ગબાભાઈનો પરિવાર રવિવારે રાત્રે જમીને સૂઈ ગયું હતું તે દરમ્યાન મોડી રાત્રે અકસ્માતે ઝૂંપડામાં આગ લાગી હતી. ફુકાતા પવનને કારણે આગ આખા ઝૂંપડામાં પ્રસરી હતી. આગની જ્વાળાઓ જોઈ જાગી ગયેલ ગબાભાઈ તથા તેમના પરિવારજનો જીવન બચાવવા બહાર દોડ્યા હતા.ઝૂંપડામાં બાંધેલ પાંચ બકરા પણ તેઓ ખોલી શક્યા ન હતા તેવી આગની જ્વાળાઓ હતી જેથી આગમાં પાંચ બકરા જીવતા ભૂંજાઈ ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા દોડી આવેલ લાશ્કરોએ આગને કાબુમાં લીધી હતી. આગમાં શ્રમજીવી પરિવારની ઘરવખરી સળગીને ખાખ થઈ જતા એક લાખનું નુકસાન થયું હતું.